નવી દિલ્હીઃ અભિનેત્રીમાંથી રાજનેતા બનેલી કોંગ્રેસ લીડર ઉર્મિલા મોતોંડકરે કલમ 370 હટાવવા અને બાદમાં કાશ્મીરમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવાતા રોષે ભરાઇ છે, ઉર્મિલા મોતોંડકરે મોદી સરકારેની આવી સ્થિતિને લઇને ઝાટકણી કાઢી છે. તેને કહ્યું મારા સાસુ-સસરા કાશ્મીરમાં છે, તે બિમાર છે તેમનો કોઇ સંપર્ક નથી થઇ રહ્યો.


પૂર્વ મુખ્યમંત્રીના ગૃહ મતવિસ્તાર નાંદેડમાં આયોજિત એક સભામાં ઉર્મિલા મોતોંડકરે મોદી સરકાર પર નિશાન સાધ્યુ હતુ. તેને કલમ 370 અને કાશ્મીરની સ્થિતિ અંગે રોષ ઠાલવ્યો હતો. ઉર્મિલાએ કહ્યું કે, હું કાશ્મીરની વહુ છુ, અને મારા સાસુ-સસરાની મને ચિંતા થઇ રહી છે. છેલ્લા 22 દિવસથી મારા સાસુ-સસરા કાશ્મીરમાં છે, તેઓ ત્યાં રહે છે. તેમને ડાયાબિટીશની તકલીફ છે, બિમાર છે. છતાં હુ તેમની સાથે વાત નથી કરી શકતી.



આજે (29 ઓગસ્ટ) 22મો દિવસ છે, હું કે મારા પતિ બન્નેમાંથી કોઇ તેમની સાથે વાત સુધ્ધા નથી કરી શકતાં. અમે વિચારી રહ્યાં છીએ કે શું તેમના ઘરે દવાઓ હશે કે નહીં.



ઉલ્લેખનીય છે કે, એક્ટ્રેસ ઉર્મિલાએ કાશ્મીરમાં રહેનારા મોહસિન અખ્તર મીર સાથે લગ્ન કર્યા છે. હવે તે કાશ્મીરની વહુ છે. તે 2019ની લોકસભા પહેલા કોંગ્રેસમાં જોડાઇ હતી. બાદમાં ઉત્તર મુંબઇમાંથી લોકસભા લડી પ હારનો સામનો કરવો પડ્યો હતો.