નવી દિલ્હીઃ વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ પર ગયેલ ભારતીય ટીમ તેના અંતિમ તબક્કામાં છે. ટી20, વનડે સીરીઝમાં સૂપડા સાફ કર્યા બાદ ટેસ્ટ સીરીઝમાં ટીમ ઇન્ડિયા વિન્ડિઝને ઘરમાં જ હરાવવા માગે છે. પ્રથમ ટેસ્ટ ચોથા દિવસે જ જીતી લીધી હતી અને બીજી અંતિમ ટેસ્ટ 30 ઓગસ્ટ એટલે કે આજથી જમૈકીમાં રમાશે. કોઈપણ ખેલાડી માટે પોતાની ફિટનેસ બનાવી રાખવી સૌથી વધારે મહત્વપૂર્ણ હોય છે. 5 દિવસ સુધી ચાલતી ટેસ્ટમાં રોજ 3 સત્ર હોય છે જેમાં ખેલાડીઓને આરામ મળે છે.

બ્રેકફાસ્ટનો સમયઃ ટેસ્ટ મેચમાં મેદાનમાં ઉતરતા પહેલા આખો દિવસ તરોતાજા અને સ્ફૂર્તિ રાખવા માટે ખેલાડીઓ સવારે બ્રેકફાસ્ટમાં દૂધ, પાસ્તા અને ફળ લે છે. આ ઉપરાંત કેટલાક ખેલાડીઓ મીટ, સલાડ, જામ કે પીનટ બટર સાથે સેન્ડવીચ પણ ખાય છે.

લંચનો સમયઃ પ્રથમ સેશન બાદ ખેલાડીઓ લંચ લે છે. લંચમાં ખેલાડીઓને 3થી 5 વ્યંજન પીરસવામાં આવે છે.  જેમાં જુદા જુદા પ્રકારની રોટલી, લીલા શાકભાજી, બટાટા અને દાળ મુખ્ય હોય છે. જે ખેલાડીઓ નોન વેજ ખાવાનું પસંદ કરે છે તેમના માટે ચિકન, લેમ્બ અને ફિશ પણ હોય છે. ઉપરાંત ખેલાડીઓને તેમની ફેવરિટ આઈસક્રીમ પણ સર્વ કરવામાં આવે છે.

ટી-બ્રેકઃ ત્રીજા સેશનમાં ખેલાડીઓને ટી બ્રેક મળે છે. આ બ્રેકમાં મોટેભાગે ચા કે કોફી કપ સાથે હળવો નાસ્તો કરે છે, જેને પચાવો સરળ હોય છે. ખેલાડીઓને જે પણ વસ્તુ પિરસવામાં આવે છે તે એક્સપર્ટ શેફ જ બનાવે છે અને ઘણા ખેલાડીઓ પોતાનો અલગ શેફ પણ રાખે છે. ઉપરાંત બીજા દિવસ માટે સ્પા, માલિશ અને જકૂજીનો પણ ઉપયોગ કરે છે.