નવી દિલ્હીઃ ભારતના ઉભરતા ક્રિકેટર સંદીપ વોરિયરે લગ્ન કર્યા છે. સંદીપ અને તેની નવી નવેલી દુલ્હનની તસવીરો કોલકાતા નાઈટ રાઈડર્સે પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કરી છે. લગ્ન દરમિયાન સંદીપે બ્લેક કલરનો શૂટ પહેર્યો છે જ્યારે દુલ્હન આર્થિ કસ્તૂરીરાજ લાઈટ બ્લૂ કલરના લહંગામાં જોવા મળી રહી છે. સાથે જ તેના માતા પિતા અને સુનીલ ગાવસ્કર પણ જોવા મળી રહ્યા છે. નોંધનીય છે કે, સંદીપ આઈપીએલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ માટે ક્રિકેટ રમે છે.

સંદીપ વોરિયર ઇન્ડિયા એ ટીમનો સભ્ય છે. તે શ્રીલંકા અને વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસે પણ ગયો હતો. સંદીપ વોરિયર પોતાની સ્પીડ અને બાઉન્સ માટે ઓળખાય છે. આઈપીએલ 2019માં તેને કોલકાતાએ 3 મેચમાં તક આપી હતી અને તેણે 7.08ની ઇકોનોમીથી 2 વિકેટ ઝડપી હતી. સંદીપ વોરિયરે રણજી ટ્રોફી 2018-19માં 10 મેચમાં 44 વિકેટ ઝડપી હતી. સાથે વિજય હઝારે ટ્રોફીમાં 6 મેચમાં 12 વિકેટ ઝડપી હતી.



કોલકાતા નાઇટ રાઇડર્સમાં કમલેશ નાગરકોટિ ઇજાગ્રસ્ત થયા પછી સંદીપનો સમાવેશ કરાયો હતો. ઓગસ્ટ 2018માં વિજય હઝારે ટ્રોફી દરમિયાન સંદીપ 3 મેચો માટે સસ્પેન્ડ થઈ ગયો હતો. સંદીપ એ પાંચ ખેલાડીઓમાં સામેલ હતો, જેણે કેરલના કેપ્ટન સચિન બેબીનો વિરોધ કર્યો હતો.