આજે સવારે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની સાથે પ્રોડ્યુસર્સ ગિલ્ડ, ફિલ્મ ડિરેક્ટર કરણ જોહર અને મનસેના અધ્યક્ષ રાજ ઠાકરેની બેઠક થઇ હતી. આ બેઠક બાદ પ્રોડ્યુસર્સ ગિલ્ડના અધ્યક્ષ મુકેશ ભટ્ટે કહ્યું કે, ‘એ દિલ હૈ મુશ્કિલ’ હવે દિવાળીના અવસર પર 28 ઓક્ટોબરના રોજ રીલિઝ થશે અને એમએનએસ તેનો વિરોધ કરશે નહીં.
પ્રેસ કોન્ફરન્સમાં રાજ ઠાકરેએ કહ્યુ કે, મુખ્યમંત્રીએ અમારી ત્રણ માંગણીઓ માની લીધી છે. અમે આ શરતો પર વિરોધ ખત્મ કર્યો છે. હવે પ્રોડ્યુસર્સ પાકિસ્તાની કલાકારો સાથે કામ નહીં કરે.
રાજ ઠાકરેએ કહ્યું કે મને મુખ્યમંત્રીએ બોલાવ્યો હતો અને મને પૂછ્યું કે આ ફિલ્મનો વિરોધ ખત્મ કરવા પર કોઇ ઉકેલ નીકળી શકે કે નહીં? મે મુખ્યમંત્રીની સામે માંગણીઓ મુકી કે જે પ્રોડ્યુસર્સે પાકિસ્તાની એક્ટર્સને કામ આપ્યુ છે તેઓ 5-5 કરોડ રૂપિયા શહીદ જવાનો અથવા આર્મી વેલફેર ફંડને આપે. સાથે ફિલ્મ અગાઉ શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે. સાથે કોઇ પણ પાકિસ્તાની કલાકારોને કામ આપવામાં ના આવે. અમે આ ફિલ્મનો કોઇ વિરોધ નથી પરંતુ મને લાગતુ નથી કે કોઇ આ ફિલ્મ જોવા જશે.
આ મુલાકાત બાદ પ્રોડ્યુસર્સ ગિલ્ડના અધ્યક્ષ મુકેશ ભટ્ટે કહ્યું કે, અમે ફિલ્મની રીલિઝ સંબંધિત દુર્ભાગ્યપૂર્ણ ઘટનાક્રમની ચર્ચા કરી હતી. અમે પહેલા ભારતીય છીએ અને બાદમાં અમારો બિઝનેસ આવે છે. અમે મુખ્યમંત્રી ફડણવીસને આશ્વાસન આપ્યું છે કે અમે ભવિષ્યમાં કોઇ પાકિસ્તાની કલાકાર સાથે કામ કરીશું નહીં. તે સિવાય ફિલ્મના નફામાંથી કેટલોક નફો શહીદ વેલફેર ફંડમાં આપવામાં આવશે. તે સિવાય ફિલ્મની શરૂઆતમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે.