નવી દિલ્હીઃ લોકડાઉને કારણે દૂરદર્શન પર જૂની અને જાણીતી ટીવી સીરિયલ્સનું પ્રસારણ કરવામાં આવીરહ્યું છે. આ શો દર્શકોને ખૂબ જ પસંદ આવીરહ્યો છે અને ટીઆરપીના નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. હવે આ યાદીમાં જાણીતી ટીવી સીરિયલ ‘શ્રી કૃષ્ણા’નું નામ સામેલ થઈ ગયું છે. હવે ટૂંકમાં જ દૂરદર્શન પર ‘શ્રી કૃષ્ણા’ને પ્રસારિત કરવામાં આવશે. આ વાતની જાણકારી પ્રસાર ભારતીએ ટ્વીટ કરીને આપી છે.

પ્રસાર ભારતીએ પોતાના સત્તાવાર એકાઉન્ટથી ટ્વીટ કરીને લખ્યું, ‘શ્રી કૃષ્ણા’નું પ્રસારણ ડીડી નેશનલ પર ટૂંકમાં જ કરવામાં આવશે. તેની સાથે જ તેણે હેશટેગ સ્ટે હોમનો પણ ઉપયોગ કર્યો. પ્રસાર ભારતીએ આ જાણકારીની સાથે એક વીડિયો પણ શેર કર્યો છે. જેમાં ‘શ્રી કૃષ્ણા’ની લીલાઓને દર્શાવી છે. દર્શકો ‘શ્રી કૃષ્ણા’ના ટાવી પર ફરીથી પ્રસારિત થવાને લઈને ખૂબ જ ઉત્સાહિત છે અને કમેન્ટ કરીને પ્રતિક્રિયા આપી રહ્યા છે.


રામાયણ અને મહાભારતના પુનઃ પ્રસારણ બાદ સતત એવી માંગ ઉઠી રહી હતી કે રામાનંદ સાગર દ્વારા નિર્મિત ટીવી સીરિયલ શ્રી કૃષ્ણ ને ફરીથી શરૂ કરવામાં આવે. લૉકડાઉન દરમિયાન શરૂ થયેલી બંને સીરિયલોએ દૂરદર્શનને ટીઆરપી રેન્કિંગમાં ટૉપ બેસાડી દીધું છે. હવે લોકોની ભારે માંગ બાદ દૂરદર્શન ટૂંક સમયમાં ‘શ્રી કૃષ્ણ’ શરૂ કરવા જઈ રહ્યું છે.

નોંધનીય છે કે, આ સીરિયલ 1993માં દૂરદર્શનની મેટ્રો ચેનલ પર પ્રસારિત થઈ હતી અને ત્યારબાદ 1996માં દૂરદર્શન પર પ્રસારિત થઈ હતી. શૉમાં કૃષ્ણનું પાત્ર સર્વદમન ડી. બેનર્જીએ નિભાવ્યું હતું. સર્વદમન બેનર્જીને આ શૉથી ઘણી લોકપ્રિયતા મળી હતી. લૉકો તેમને સાચે જ ભગવાન કૃષ્ણ સમજવા લાગ્યા હતા. તેઓ રામાયણ, અર્જુન, જય ગંગા મૈયા એન ઓમ નમઃ શિવાય જેવી પૌરાણિક કથા આધારિત સીરિયલોમાં પણ જોવા મળ્યા છે.