મુંબઈ: બોલીવૂડ અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચન અને તેમની આઠ વર્ષની દિકરી આરાધ્યા બચ્ચને કોરોનાને મ્હાત આપી છે. એશ્વર્યા અને આરાધ્યા બંનેને મુંબઈ નાણાવટી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ઘણા દિવસો પછી બચ્ચન પરિવારમાંથી સારા સમાચાર સામે આવ્યા છે. પરંતુ હજુ એ નક્કી નથી કે અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનને હોસ્પિટલમાંથી ક્યારે રજા આપવામાં આવશે.




અભિષેક બચ્ચને ટ્વિટ કર્યું કે, 'સતત બધાની દુઆઓ અને પ્રાર્થના માટે આભાર. તેના માટે હંમેશા તમારા આભારી રહેશં. એશ્વર્યા અને આરાધ્યાનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે અને તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. હું અને પપ્પા હાલ મેડિકલ સ્ટાફની દેખરેખમાં હોસ્પિટલમાં જ રહેશું.'

ઉલ્લેખનીય છે કે 17 જુલાઈએ એશ્વર્યા અને આરાધ્યાને કોરોના સંક્રમણના કારણે મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એશ્વર્યા અને આરાધ્યા પહેલાથી કોરોના પોઝિટિવ હતા, પરંતુ જુહૂ સ્થિત જલસા બંગલામાં હોમ ક્વોરન્ટીન હતા. પરંતુ એશ્વર્યાને તાવ અને શ્વાસ લેવામાં થઈ રહેલી તકલીફ અને કફ અને ઉધરસ સાથે ગળામાં દુખાવા બાદ નાણાવટી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.

11 જુલાઈએ અમિતાભ બચ્ચને જાણકારી આપી હતી કે તેમને કોરોના થયો છે ત્યારબાદ અભિષેક બચ્ચને પણ પોતાના કોરોના ટેસ્ટ પોઝિટિવ હોવાની જાણકારી આપી હતી.