મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, અજય દેવગણે કુલિનનનો ઓર્ડર થોડાં સમય પહેલા જ આપ્યો હતો કારણ કે બધી જ કાર્સ ગ્રાહકની જરૂરિયાત મુજબ કસ્ટમાઈઝ કરીને ડિલિવર કરવામાં આવે છે. આથી જ તેની ડિલીવરીમાં થોડો સમય લાગે છે. આ અત્યાર સુધીની ભારતીય માર્કેટની સૌથી મોંઘી SUV કાર છે. રજિસ્ટ્રેશનની વિગત અનુસાર અજય દેવગણે 17 જુલાઈ 2019ના રોજ આ કાર બુક કરાવી હતી.
આ કારની એક્સ-શોરૂમ કિંમત રૂપિયા 6.95 કરોડ છે. આ કિંમત બેઝ વેરિયન્ટ માટે છે. રોલ્સ રોય્સ તેના વાહનમાં સાવ ઓછી એસેસરીઝ આપે છે. મોટાભાગના ગ્રાહકો તેમાં કશુંક ઉમેરાવાનું પસંદ કરે છે જેને કારણે તેની કિંમતમાં વધારો થાય છે. નોંધનીય છે કે, આ સેલિબ્રિટીએ ખરીદેલી પહેલી રોલ્સ રોય્સ નથી. અગાઉ મુકેશ અંબાણીએ પણ કુલીનન ખરીદી હતી જે દેશની પહેલી આવી કાર છે.
ટી-સીરીઝના ભૂષણ કુમાર પાસે લાલ રંગની રોલ્સ રોય્સ કુલિનન છે. અજય દેવગણે હજુ સુધી આ કારનો ફોટો શેર કર્યો નથી પરંતુ એક ઈન્સ્ટાગ્રામ યુઝર જયંત કુમાર સિંહે અજયના ઘરની બહાર પાર્ક કારનો ફોટો શેર કર્યો છે. કારના પરમેનન્ટ રજિસ્ટ્રેશન નંબર પર સર્ચ કરતાં આ વાહન અજય દેવગણનું હોવાનું જાણવા મળ્યું છે.