બોલીવૂડ અભિનેતા અક્ષય કુમારે ફરિ એક વખત દરિયાદિલી બતાવતા આસામ પૂર પીડિતો માટે 1 કરોડ રૂપિયા દાન કર્યા છે. તેને લઈને આસામના મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે ટ્વિટ કરી અભિનેતાનો આભાર માન્યો છે. સીએમ સોનોવાલે ટ્વિટ કરી લખ્યું, 'આસામમાં પૂર રાહત માટે એક કરોડ રૂપિયાના પોતાના યોગદાન માટે અક્ષય કુમારજીને ધન્યવાદ. તમે સંકટના સમયે હંમેશા સહાનુભૂતિ બતાવી છે અને સમર્થન કર્યું છે. આસામના એક સાચા મિત્રના રૂપમાં, વૈશ્વિક ક્ષેત્રમાં પોતાનો મહિમા વધારવા માટે ભગવાન તમારા પર આર્શીવાદની વર્ષા કરે.'


જુલાઈ 2020માં એક સમયે તો આસામના 33માંથી 33 જિલ્લા પૂરના પાણીમાં ડૂબી ગયા હતા. પૂરના કારણે આશરે 28 લાખ લોકો પ્રભાવિત થયા હતા. પૂરના કારણે રાજ્યમાં હજારો ઘર ક્ષતિગ્રસ્ત થયા હતા. ઘણી જગ્યાઓ પર રસ્તાઓ અને પૂલ તુટી ગયા હતા.



ઉલ્લેખનીય છે કે આસામમાં પૂરના કારણે પરિસ્થિતિ બગડી તેનો એક મહિનાથી વધારે સમય થયો છે. ગત મહિને આવેલા ભારે પૂરના કારણે 30 લાખ લોકો પ્રભાવિત થયા હતા. આ સમયે ભારતના ઘણા રાજ્યોમાં ભારે વરસાદના કારણે પરિસ્થિતિ બગડી છે. ખાસ કરીને મહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે ડેમ ઓવરફ્લો થઈ રહ્યા છે. જેને લઈને પુણેના ખડગવાસલા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે.

આ સાથે જ તમને જણાવી દઈએ કે આ પ્રથમ વખત નથી જ્યારે અક્ષય કુમારે દેશના કોઈ રાજ્ય માટે આ રીતે મદદ માટે હાથ આગળ વધાર્યો હોય. અક્ષય કુમાર પોતાના ચેરિટીના કામના કારણે સતત ચર્ચામાં રહે છે.