મુંદ્રાઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી સારો વરસાદ પડી રહ્યો છે. ત્યારે કચ્છમાં તળાવમાં નવા પાણીના વધામણા કરતી વખતે એક યુવકના ડૂબવાની ઘટના સામે આવી છે. મળતી વિગતો પ્રમાણે મુન્દ્રાના તળાવમાં ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાની હાજરીમાં નવા નીરના વધામણાનો કાર્યક્રમ યોજાયો હતો. આ સમયે નવા નીરને વધાવવા નાળિયેર અર્પણ કરાયું હતું. આ નાળિયેર લેવા જતાં યુવક ડૂબી ગયો હતો. યુવક તળાવમાં ડૂબી જતાં તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. માંડવીના ધારાસભ્ય વિરેન્દ્રસિંહની હાજરીમાં આ દુર્ઘટના થતાં ભારે ચકચાર જાગી છે.


જોકે, આ ઘટના અંગે કોંગ્રેસના નેતા અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહે ગોહિલે મોટો આક્ષેપ કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા ટ્વીટર પર ટ્વીટ કરીને આક્ષેપ લગાવ્યો છે કે, મને પ્રાપ્ત ફોન સંદેશ મુજબ કચ્છ જિલ્લાના મુંદ્રા ખાતે કોઈ પણ સાવચેતી વગર તળાવમાં તરીકને વસ્તુ કાઢી આપવાની સ્પર્ધા રાખવામાં આવેલી. સરકારના અધિકારીઓ અને ભાજપ પદાધિકારીઓ હાજર હતા. એક વ્યક્તિ તળાવમાં ડૂબી જવાના ખબર છે. વિજય રૂપાણીજી તુરંત એનડીઆરએફ મોકલો અને તપાસ થવા વિનંતી છે.

આમ, મુન્દ્રામાં બનેલી ઘટનામાં હવે કોંગ્રેસના રાજ્યસભાના સાંસદની ટ્વીટને કારણે રાજકારણ ગરમાયું છે.