મુંબઈ: બોલીવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનને કોરોના સંક્રમણ થયા બાદ મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ છે. અમિતાભ બચ્ચનને હોસ્પિટલના આઇસોલેશન યુનિટમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે અભિષેક બચ્ચન જનરલ વોર્ડમાં દાખલ છે.

હોસ્પિટલ સાથે સંકળાયેલા એક સૂત્રએ બંને કલાકારોના સ્વાસ્થ્ય વિશે જાણકારી આપી છે. અમિતાભ બચ્ચન અને તેમના પુત્ર અભિષેક બચ્ચન પર સારવારની સારી અસર જોવા મળી રહી છે.

હોસ્પિટલના નજીકના એક સૂત્રએ જણાવ્યું હતું કે, "અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન બંને સ્થિર છે અને તેમની સારવાર ચાલી રહી છે. તેઓને ઓછામાં ઓછા સાત દિવસ સુધી હોસ્પિટલમાં રહેવું પડશે." અમિતાભ બચ્ચન અને અભિષેકને સાત દિવસ બાદ હોસ્પિટલમાંથી રજા મળી શકે છે.

અમિતાબ અને અભિષેક બચ્ચન સિવાય ઐશ્વર્યા રાય બચ્ચન અને તેની આઠ વર્ષીની દિકરી આરાધ્યા બચ્ચનને પણ કોવિડ -19 પોઝિટિવ છે. આ બંનેને ઘરે ક્વોરેન્ટીન કરવામાં આવ્યા છે. BMCના અધિકારીઓ અને ડોકટરો તેમની દેખરેખ રાખી રહ્યા છે. જ્યારે અમિતાભ બચ્ચનની પત્ની જયા બચ્ચનનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.