મુંબઈ: બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનનો ક્રિકેટપ્રેમ જગજાહેર છે. જ્યારે ભારતીય ટીમનો મેચ હોય છે ત્યારે બીગ બી સમય કાઢીને જરૂર જોય છે. અમિતાભ બચ્ચન મેચ બાદ ટ્વિટર અને ફેસબુક પર લખતા હોય છે. શુક્રવારે ટીમ ઈન્ડિયાએ ન્યૂઝિલેન્ડને ચોથી ટી20 મેચમાં હરાવ્યું હતું. આ મેચમાં ભારતીય ટીમની જીત બાદ અમિતાભ બચ્ચન ખૂબ જ ખુશ થયા હતા અને તેમણે આ ખુશીમાં કવિતા લખી હતી.

આ કવિતામાં અમિતાભ બચ્ચને લખ્યું, 'New Zealand ગેંદ બલ્લા ખેલે, ખેલે ભારત સંગ તીન શૂન્ય, સે હાર ચૂકે હે, ફિર ભી ઉડે ન રંગ. દુઈ બાર એક કે બાદ એક ખેલે, સુપર ઓવર, ભૈયા દૂનહિ બાર પછાડ દિએ હે. અબ બોલે હાઈ હાઈ દૈઈયા.'


ઉલ્લેખનીય છે કે 29 જાન્યુઆરીની ત્રીજી મેચમાં સુપર ઓવરમાં જીત બાદ શુક્રવારે પણ ચોથા મુકાબલામાં સુપર ઓવર આવી હતી. ટીમ ઈન્ડિયાના 166 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ન્યૂઝિલેન્ડની શરૂઆત સારી નહોતી રહી. મેચ અંતિમ ઓવરમાં ટાઈ થઈ હતી.

બાદમાં દર્શકોને સતત બીજી વખત સુપર ઓવરનો મુકાબલો જોવા મળ્યો હતો. સુપર ઓવરમાં ન્યૂઝિલેન્ડે ટીમ ઈન્ડિયાને 14 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં ભારતીય ટીમે પાંચ બોલમાં આ લક્ષ્યાંક મેળવી લીધો હતો. ભારત તરફથી કેએલ રાહુલે પ્રથમ બે બોલમાં એક સિક્સર અને એક ફોર ફટકારી હતી. બાદમાં કોહલીની ફોરથી ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી.

ત્રીજી ટી 20ના સુપર ઓવરના મુકાબલામાં પણ ભારતની જીત બાદ અમિતાભ બચ્ચને ટ્વીટ કર્યું હતું. 'ઈન્ડિયા. ઈન્ડિયા. ઈન્ડિયા. સુપર ઓવરમાં શુ શાનદાર જીત મળી છે. ન્યૂઝિલેન્ડમાં પ્રથમ વખત ટી20 સિરીઝ જીત્યા. શુભેચ્છાઓ. બે બોલમાં 10 રનની જરૂર હતી અને રોહિત શર્માએ 2 સિક્સર લગાવી દિધી. અવિશ્વસનીય.'