નવી દિલ્હીઃ બજેટ પહેલા મધ્યમ વર્ગ માટે મોચા સાચાર છે. ઇકોનોમિક સર્વે 2020 સંસદમાં રજૂ થઈ ચૂક્યું છે. ઇકોનોમિક સર્વેમાં એ ઈશારો કરવામાં આવ્યો છે કે બજેટમાં ઇનકમ ટેક્સ સ્લેબમાં ફેરફાર થઈ શકે છે. આજે બજેટ 2020 રજૂ થવાનું છે. આ બજેટમાં ઇનકમ ટેક્સ સ્લેમાં રાહત મળવાની પૂરી સંભાવના છે. આર્થિક સર્વેમાં તેના તરફ સ્પષ્ટ ઈશારો કરવામાં આવ્યો છે.

નાણાં મંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં આર્થિક સર્વેક્ષણ 2019-2020 રજૂ કર્યું. આર્થિક સર્વેક્ષણમાં આશા વ્યક્ત કરવામાં આવી છે કે, સરકાર બજેટ 2020માં ટેક્સપેયર્સને ઇનકમ ટેક્સમાં મોટી રાહત આપી શકે છે. ઉપરાંત ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં રોકાણ વધારવા માટે પણ જાહેરાત થઈ શકે છે.

કોર્પોરેટ ટેક્સમાં ઘટાડા બાદથી જ ઇનકમ ટેક્સ સ્લેબમાં છૂટની માગ પણ સતત થઈ રહી છે. એક્સપર્ટ્સનું પણ માનવું છે કે, અર્થતંત્રમાં માગ અને વપરાશ વધારવા માટે ઇનકમ ટેક્સમાં છૂટ ખૂબ જ જરૂરી છે. ટેક્સપેયર્સને છૂટ આપીને માગ વધારી શકાય છે. ઇકોનોમિક સર્વેમાં ઈશારો મળે છે કે, સરકાર ઇનકમ ટેક્સને લઈને કંઈક મોટી જાહેરાત કરી શકે છે. જાણકારોનું માનીએ તો આ જાહેરાત ટેક્સ સ્લેબને લઈને થઈ શકે છે. સાથે જ સેક્શન 80સીની છૂટ મર્યાદામાં પણ વધારો થઈ શકે છે.

ટેક્સની વાત કરીએ તો હાલમાં 2.5 લાખ રૂપિયાની આવક પર કોઈ ટેક્સ લાગતો નથી. જ્યારે અઢીથી પાંચ લાખની આવક પર પાંચ ટકા ટેક્સ લાગે છે. પાંચથી દસ લાખની આવક પર 20 ટકા ટેક્સ લાગે છે. તેનાથી ઉપરની આવક પર 30 ટકા ટેક્સ લાગે છે.

નિષ્ણાંતોનું માનીએ તો, પાંચ લાખ સુધીની આવક ઝીરો ટેક્સ થઈ શકે છે. પાંચથી દસ લાખ સુધીની આવક પર 20 ટકાના બદલે 10 ટકા, દસ લાખથી 20 લાખની આવક પર 20 ટકા અને 20 લાખથી વધારે આવક પર 30 ટકા ટેક્સ થવો જોઈએ.

નોકરી કરતા લોકો માટે ઇન્કમ ટેક્સ સેક્શન 80C હેઠળ મળતી છૂટમાં પણ વધારો થઈ શકે છે. નોંધનીય છે કે, છેલ્લા છ વર્ષથી આ છૂટની મર્યાદામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. હાલના સમયમાં આ મર્યાદા 1.5 લાખ રૂપિયા છે. લાઇફ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ, પીએફમાં ફાળો, બાળકોની ટ્યુશન ફી, હાઉસિંગ લોનની ચૂકવણી અને પીપીએફમાં ફાળો આ બધું 80C હેઠળ આવે છે. આટલી બધી વસ્તુઓને 80C હેઠળ લાવતા આ છૂટ ઓછી લાગે છે.

સામાન્ય બજેટ 2020માં એનપીએસ એટલે કે નેશનલ પેન્શન સ્કીમમાં છૂટની મર્યાદા વધવાની આશા છે. હાલ 50 હજાર રૂપિયા સુધી રોકાણની ટેક્સ છૂટ મળે છે. આ છૂટ એક લાખ કરવાની માંગ છે.