મુંબઈઃ કોરોના વાઇરસ સમગ્ર દુનિયામાં ફેલાઈ રહ્યો છે અને ભારત પણ તેમાંથી બાકાત નથી. આ ભયના માહોલમાં સેલેબ્સ લોકોને જાગૃત કરી સુરક્ષિત રહેવા આગ્રહ કરી રહ્યા છે. શાળા, કોલેજ, થિયેટર્સ વગેરે બંધ કરી દેવામાં આવ્યા છે. વધુ લોકો એકસાથે ભેગા ન થાય અને સુરક્ષિત રહે તે માટે અમિતાભ બચ્ચને તેમના ઘર જલસા પાસેની રવિવારની ફેન મીટ કેન્સલ કરી દીધી છે. તેમણે ટ્વીટ કરીને આ વાતની જાણ કરી છે.


તેમણે લખ્યું કે, ‘મારી વિનંતી છે કે આજે જલસાના દરવાજા પાસે ન આવતા, સન્ડે મીટ માટે હું નથી આવવાનો. સુરક્ષિત રહો.’

સદીના મહાનાકાય છેલ્લા 37 વર્ષોથી દર રવિવારે જૂહુ સ્થિત પોતાના આવાસ 'જલસા'માં પ્રશંસકોને મળે છે. તેમના આ સાપ્તાહિક મિલન કાર્યક્રમનું નામ 'સંડે દર્શન' છે. મોટી સંખ્યામાં પ્રશંસકો તેમને મળવા આવે છે. પરંતુ આજે આ દર્શન નહીં થાય.


બિગ બી સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ એક્ટિવ રહે છે. તાજેતરમાં અમિતાભ બચ્ચને દેશમાં કોરોના વાયરસના વધતા ખતરા અંગે ચિંતા વ્યક્ત કરી હતી.


બિગ બીએ લોકોને કોરોનાથી સાવધાન રહેવાની અપીલ પણ કરી હતી. અને પોતાની વાતોને કેટલીક પંક્તિઓમાં વ્યક્ત કરી હતી. તેઓ પોતાની ફિટનેશનું ખુબ જ ધ્યાન રાખે છે અને ખૂબજ એક્ટિવ રહે છે.

હાલમાં અમિતાભ બચ્ચન બ્રહ્માસ્ત્રનું શૂટિંગ કરી રહ્યા છે. આ ફિલ્મની શૂટિંગ પણ કોરોના વાયરસના કારણે રોકવામાં આવ્યું છે.