નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરોના વાયરસનો સામનો કરવા માટે સાર્ક દેશોને એકજૂથ કરવામાં લાગ્યા છે, ત્યારે પાકિસ્તાન આ ખતરનાક વાયરસ સામેની લડાઇમાં સહયોગ કરવાના બદલે પોતાના બદઇરાદા પાર પાડવામાં લાગ્યું છે.

રવિવારે પીએમ મોદી અને સાર્ક દેશોની સાથે વીડિયો કોન્ફરન્સ દરમિયાન પાકિસ્તાને કાશ્મીર બોમ્બ ફોડી નાંખ્યો છે. જો કે તેમાં પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાન પોતે સામેલ ન થયા, પરંતુ તેમના સ્થાને પાકિસ્તાનના સ્વાસ્થ્ય પ્રધાન જફર મિર્ઝાએ વીડિયો કોન્ફરન્સમાં ભાગ લીધો હતો.

વીડિયો કોન્ફરન્સ દરમિયાન મિર્જીએ કાશ્મીર મુદ્દો ઉઠાવતા કહ્યુ રે કોરોના વાયરસના ખતરા સામે લડવા માટે જમ્મુ-કાશ્મીરમાં લાદેલા પ્રતિબંધો હટાવી લેવા જોઇએ. તેમના મુજબ રાજ્યમાં કોરોના વાયરસના કેસો બન્યા છે.

જોકે પાકિસ્તાની સ્વાસ્થ મંત્રીએ આગળ એમ પણ કહ્યુ કે COVID-19સૌથી ખતરનાર મહામારી બની ચૂક્યુ છે. કોરોના વાયરસના 1,55,000 કેસ સામે આવી ચૂક્યા છે જ્યારે 5833 લોકો મોતને ભેટી ચૂક્યા છે. 138 દેશોમાં ફેલાયો છે આથી આપણે દરેક સ્થિતિમાં તેની સામે લડવા માટે તૈયારી કરવી પડશે.

બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ SAARC દેશોને વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધિત કરતા COVID-19 ઇમરજન્સી ફંડ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જે માટે ભારત તરફથી એક કરોડ અમેરિકન ડોલર આપવાની જાહેરાત પણ કરી હતી. આ રૂપિયાનો સાર્ક દેશોના સભ્યો જ્યારે જરૂર જણાય ત્યારે ઉપયોગ કરી શકશે.