અભિષેક બચ્ચને ટ્વિટ કરતા લખ્યું, 'હું અને મારા પિતા હોસ્પિટલમાં જ રહેશું જ્યા સુધી ડૉક્ટર કોઈ નિર્ણય નહી લે. તમામ લોકો સાવધાની રાખો અને પોતાનું ધ્યાન રાખો. તમામ નિયમોનું પાલન કરો.'
આ સાથે જ અભિષેક બચ્ચને બીજુ ટ્વિટ કર્યું, 'એશ્વર્યા અને આરાધ્યાનો કોરોના ટેસ્ટ પણ પોઝિટિવ છે. તેઓ ઘરે જ સેલ્ફ ક્વોરન્ટાઈન રહેશે. બીએમસીને પરિસ્થિતિની જાણકારી આપવામાં આવી છે અને તેઓ જરૂરી કાર્યવાહી કરી રહ્યા છે. મા સહિત અન્ય પરિવારનો કોરોના ટેસ્ટ નેગેટિવ છે. પ્રાર્થનાઓ માટે તમામનો આભાર.'
અમિતાભ બચ્ચનના ઘરે કામ કરતા 54 કર્મચારીઓમાંથી 28 કર્મચારીઓ એવા છે, જે બચ્ચન પરિવારના સીધા સંપર્કમાં આવ્યા છે. એવામાં તેમને હાઈ રિસ્ક કોન્ટેક માનતા જલસા અને જનક બંગલામાં જ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. અન્ય 26 કર્મચારીઓ એવા છે જે બચ્ચન પરિવારના સીધા સંપર્કમાં નથી આવ્યા. એટલે તેઓ પોતાના જ ઘરે ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.
અમિતાભ બચ્ચનના ઘરે કામ કરતા 28 કર્મચારીઓનો થોડીવારમાં કોરોના ટેસ્ટ કરવામાં આવશે, જેનો રિપોર્ટ કાલે સાંજ સુધીમાં આવે તેવી આશા છે.
ઉલ્લેખનીય છે કે આજે સવારે 10 વાગ્યાથી લઈને 12 વાગ્યે સુધી બીએમસીની ટીમે અમિતાભના બંગલા જલસામાં સેનિટાઈઝેશનનું કામ કર્યું હતું. જૂહુ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પણ જલસાની બહાર હાજર છે. આ સાથે જ ઘરની બહાર બેરિકેડિંગ કરવામાં આવ્યું છે.