મુંબઇઃ બોલિવૂડ એક્ટ્રેસ તનુશ્રી દત્તાએ નાના પાટેકર પર જાતીય શોષણનો આરોપ લગાવ્યા બાદ ભારતમાં #MeToo અભિયાને જોર પકડ્યું છે. અત્યાર સુધીમાં અનેક મહિલાઓ સામે આવીને આરોપ લગાવી ચૂકી છે. જેમાં નાના પાટેકર સહિત ચાર લોકો વિરુદ્ધ એફઆઇઆર દાખલ થઇ ચૂકી છે. નાના પાટેકર, વિવેક અગ્નિહોત્રી, વિકાસ બહલ, આલોક નાથ, રજત કપૂર અને વરુણ ગ્રોવર જેવા અનેક નામ સવાલોના ઘેરામાં છે. નાના અને આલોક નાથને નોટસ મોકલવામાં આવી છે.

MeToo  પર પ્રથમવાર અમિતાભ બચ્ચને પોતાના જન્મદિવસ પર વિચારો વ્યક્ત કર્યા હતા. બચ્ચને મહિલાઓને સલાહ આપતા જણાવ્યું હતું કે, કોઇ પણ મહિલાએ કાર્યસ્થળ પર અપમાનજનક આચરણ સહન કરવું જોઇએ નહી. તેની ફરિયાદ કરો, કાયદાની મદદ લો. આ અગાઉ અમિતાભ બચ્ચને ઠગ્સ ઓફ હિન્દુસ્તાનના ટ્રેલર લોન્ચિંગ સમયે નાના પાટેકર અને તનુશ્રી દત્તાના વિવાદ પર કાંઇ પણ બોલવાનો ઇનકાર કરી દીધો હતો.

ફેસબુક પોસ્ટ મારફતે આલોકનાથ પર આરોપ લગાવનારી ટીવી રાઇટર અને પ્રોડ્યુસર વિનતા નંદાએ લોકોના સમર્થન બદલ આભાર માન્યો હતો. તેણે મીડિયા, તનુશ્રી દત્તા, CINTAA, IFTDA, પ્રોડ્યુસર્સ ગિલ્ડ, સ્ક્રીન રાઇટર્સ એસોસિયેશન,  સંધ્યા મુદુલ, દીપિકા અમીન, નવનીત અને અમીતાનો ફેસબુક પોસ્ટ લખીને આભાર માન્યો  હતો.