Avatar 2 Earns In Advance Booking : હિન્દી સિનેમાના દર્શકોમાં દક્ષિણની ફિલ્મો અને હોલિવૂડની ફિલ્મોનું વર્ચસ્વ છે. 'સ્પાઈડર મેન' હોય કે 'થોરઃ લવ એન્ડ થંડર' આ ફિલ્મોનો જાદુ ભારતીય દર્શકો પર છવાયો હતો. હવે આવી જ બીજી હોલિવૂડ ફિલ્મ લોકોમાં છવાઇ જવા માટે તૈયાર છે. ફિલ્મ નિર્દેશક જેમ્સ કેમરૂનની સુપરહિટ ફિલ્મ 'અવતાર 2 (Avatar The Way of Water)' બોક્સ ઓફિસ પર ધમાલ મચાવશે.
પહેલો પાર્ટ વર્ષ 2009માં રીલિઝ થયો હતો
વર્ષ 2009માં રિલીઝ થયેલી એનિમેશન ફિલ્મ 'અવતાર' તે સમયે ભારતીય દર્શકોને પસંદ પડી હતી. 'અવતાર ધ વે ઓફ વોટર'માં હવે 2009ના અવતારથી આગળની વાર્તા બતાવવામાં આવશે. લગભગ 13 વર્ષ બાદ આ ફિલ્મનો બીજો ભાગ રિલીઝ થઈ રહ્યો છે. ફિલ્મની સિક્વલને લઈને પણ દર્શકોમાં જબરદસ્ત ઉત્તેજના જોવા મળી રહી છે.
એડવાન્સ બુકિંગથી આટલા કરોડની કમાણી કરી
ફિલ્મની સિક્વલ રિલીઝ પહેલા જ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી ગઈ હતી. પિંકવિલાના રિપોર્ટ અનુસાર, રિલીઝના દસ દિવસ પહેલા ભારતમાં 'અવતાર 2'ની 2 લાખથી વધુ ટિકિટ એડવાન્સથી વેચાઈ ગઈ છે. ફિલ્મનું પ્રી-સેલ ગયા મહિને પંદર દિવસ અગાઉથી શરૂ થયું હતું, જેમાં 2.15 લાખ રૂપિયામાં 2.15 લાખ ટિકિટ વેચાઈ હતી. ફિલ્મે મંગળવાર સવાર સુધી એડવાન્સ ટિકિટ બુકિંગમાંથી 8.50 કરોડ ($1 મિલિયન)ની કમાણી કરી છે, જેમાંથી 3.50 કરોડ શરૂઆતના દિવસની છે જ્યારે બાકીની કમાણી શનિવાર અને રવિવારની ટિકિટ બુકિંગની છે. 'અવતાર 2' આ મહિને 16 ડિસેમ્બર 2022ના રોજ રિલીઝ થવા જઈ રહી છે.
હોલિવૂડ ફિલ્મ 'અવતાર 2' સોશિયલ મીડિયા પર પણ ધૂમ મચાવી રહી છે. ભારતીય દર્શકોએ અગાઉ પણ 'અવતાર' પર ઘણો પ્રેમ વરસાવ્યો હતો. ફિલ્મના પહેલા ભાગની વાત કરીએ તો લગભગ 237 મિલિયન ડોલરના બજેટમાં તૈયાર થયેલી 'અવતાર'નું વિશ્વભરમાં 20 હજાર 368 કરોડ રૂપિયાનું કલેક્શન હતું. 'અવતાર 2 ધ વે ઓફ વોટર' 250 મિલિયન ડોલરના બજેટમાં તૈયાર કરવામાં આવી છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે 'અવતાર 2' પાર્ટ 1નો રેકોર્ડ તોડે છે કે નહીં.