Coronavirus સામે લડવા માટે ‘બાહુબલી’ પ્રભાસે દાન કરી આટલી મોટી રકમ, અન્ય સ્ટાર્સ પણ આવ્યા આગળ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 27 Mar 2020 08:32 AM (IST)
પ્રભાસ હાલમાં જ જ્યોર્જિયાથી પરત ફર્યો છે, જ્યાં તેની આગામી ફિલ્મ ‘પ્રભાસ 20’ નું શૂટિંગ ચાલી રહ્યું હતું.
નવી દિલ્હીઃ કોરોના વાયરસથી ફેલાયેલી મહામારી સામે લડવા માટે સમગ્ર દેશ એક થઈને બધા લોકો પોત પોતાની ક્ષમતા અનુસાર તેમાં મદદ કરી રહ્યા છે. ખાસ કરીને જો આપણે સાઉથ ફિલ્મ ઉદ્યોગની વાત કરીએ તો અનેક જાણીતા ચહેરાએ આ મુશ્કેલ સમયમાં મદદ માટે આગળ આવ્યા છે. હાલમાં જ બાહુબલી સ્ટાર પ્રભાસે કોરોના મહામારી સાથે લડવા માટે એક મોટી રકમ દાનમાં આપી છે. પ્રભાસે 4 કરોડ રૂપિયાની રકમ દાનમાં આપી છે. પ્રભાસે ગુરુવારે 3 કરોડ રૂપિયા પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાં અને 50-50 લાખ રૂપિયા આંધ્રપ્રદેશ અને તેલંગાના મુખ્યમંત્રી રાહત કોષમાં આપ્યા છે. પ્રભાસ હાલમાં જ જ્યોર્જિયાથી પરત ફર્યો છે, જ્યાં તેની આગામી ફિલ્મ ‘પ્રભાસ 20’ નું શૂટિંગ ચાલી રહ્યું હતું. તેની સાથે પૂજા હેગડે પણ હતી. ત્યાંથી પાછા ફર્યા પછી, સાવચેતીના પગલા તરીકે બંને 14 દિવસ સુધી આઇસોલેશનમાં રહ્યાં હતાં. પ્રભાસ પહેલા તેલુગુ સ્ટાર પવન કલ્યાણે 2 કરોડ રૂપિયા દાનમાં આપ્યા હતા. આ ઉપરાંત તેમના ભત્રીજા રામચરણે 1 કરોડ 40 લાખ રૂપિયા, તેલુગુ સુપરસ્ટાર પિતા ચિરંજીવીએ 1 કરોડ અને યુવા સુપરસ્ટાર મહેશ બાબુને રાહત ફંડમાં 1 કરોડનું દાન આપ્યું છે.