સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવારે દેશના અત્યાર સુધીના આંકડા પર કહ્યું કે ભારતમાં સંક્રમણનો રેટ તુલનાત્મક રીતે સ્થિર છે. મંત્રાલયના અધિકારીઓએ કહ્યું કે, ભારતમાં હજુ કોરોનાનું સંક્રમણ બીજા સ્ટેજ પર જ છે અને તેના સામુદાયિક સંક્રમણ સાથે જોડાયેલ ત્રીજા સ્ટેજમાં પહોંચવાના હાલમાં કોઈ પૂરાવા સામે નથી આવ્યા.
કોરના સંક્રમણને રોકવા અને લોકડાઉનને કારણે લોકોને થઈ રહેલ મુશ્કેલીમાંથી રાહત આપવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ યુદ્ધસ્તરે તૈયારીઓ શરૂ કરી દીધી છે. એક બાજુ કેન્દ્ર સરકારે ગરીબ લોકોને મદદ માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત 1.7 લાખ કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરી છે, જ્યારે 17 રાજ્યોએ માત્ર કોરોનાની સારવાર માટે હોસ્પિટલોની પસંદગી કરી લીધી છે.
સ્વાસ્થ્ય મંતરાલયના સંયુક્ત સચિવ લબ અગ્રવાલે કોરોના વાયરસના કારણે ઉભી થયેલી સ્થિતિ વિશે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, દેશમાં સંક્રમિત દર્દીની કુલ સંખ્યા 649 થઈ ગઈ છે. તેમણે કહ્યું કે, સંક્રમણની સંખ્યામાં વધારો થયો છે પરંતુ સંક્રમણનો રેટ તુલનાત્મક રીતે સામાન્ય ઘટવાની સાથે હાલમાં સ્થિર છે.
અગ્રવાલે કહ્યું કે, દેશમાં આ વાયરસને સામુદાયિક સંક્રમણના ત્રીજા સ્ટેજમાં પહોંચવાના હાલમાં કોઈ પૂરાવા નથી મળ્યા. તેમણે વિશ્વાસ અપાવ્યો કે લોકો દ્વારા સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી રાખવાની હાલની રણનીતિનું કડકથી પાલન કરવા પર જ કહી શકાય કે ભારત સંક્રમણના ત્રીજા સ્ટેજમાં જશે કે નહીં. ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસના સંક્રમણથી ચેઈન તોડવા માટે બુધારે સમગ્ર દેશમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યો છે.