નવી દિલ્હી: દિલ્હી ભાજપના પ્રવક્તા તેજિંદરપાલ સિંહ બગ્ગાએ બોલીવૂડ ડાયરેક્ટર અનુરાગ કશ્યપ સામે વેબ સિરીઝ સેક્રેડ ગેમ્સને લઈને શીખોની લાગણી ઉશ્કેરવાનો આરોપ લગાવતા મંગળવારે દિલ્હી પોલીસમાં ફરિયાદ કરી છે. દિલ્હીથી ભાજપના ધારાસભ્ય મનજિંદર સિંહ સિરસાએ પણ કશ્યપ નિર્દેશિત વેબ સિરીઝ પર હિંદુઓ અને શીખોની ભાવનાઓ અપમાનિત કરવાનો આરોપ લગાવ્યો છે.


બગ્ગાએ કહ્યું, 'મે શીખ કડાનુ અપમાન થતા સંસદ માર્ગ પોલીસ સ્ટેશનમાં અનુરાગ કશ્યપ સામે ફરિયાદ દાખલ કરી છે.' વેબ સિરીઝના દ્રશ્યમાં શીખની ભૂમિકા નિભાવતા સૈફ અલી ખાન પોતાનુ કડુ ફેંકતા જોવા મળી રહ્યા છે. કડુ શીખ ધર્મમાં એક પવિત્ર અને અભિન્ન વસ્તુ માનવામાં આવી છે અને તેને ખુબ જ આદર અને વિશ્વાસ સાથે પહેરવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે આ વેબ સિરીઝનો બીજો ભાગ 15 ઓગસ્ટે રિલીઝ થયો છે. ફિલ્મમાં સૈફ અલી ખાન, નવાઝુદ્દીન સિદ્દિકી, પંકજ ત્રિપાઠી લીડ રોલમાં છે. સીરિઝનો પ્રથમ ભાગ દર્શકોને ખૂબ પસંદ આવ્યો હતો.