ન્યૂયોર્કઃ બોલિવૂડ એક્ટર રંજીત ચૌધરીનું 65 વર્ષની વયે  અવસાન થયું છે. તેઓ અભિનેતા હોવાની સાથે સારા લેખક અને નિર્દેશક પણ હતા. રંજીતના પિતા થિયેટર પર્સનાલિટી પર્લ પદ્મસી અને બહેન રાએલ પદ્મસી કેટલાક જાણીતા પ્રોડયુસર્સ પૈકીના એક છે.

ઋષિકેશ મુખર્જીના નિર્દેશનમાં બનેલી રાકેશ રોશનની ફિલ્મ 'ખૂબસુરત'માં રંજીતે રેખા સાથે કામ કર્યુ હતું. આ ફિલ્મમાં તેણે જગનનો રોલ કર્યો હતો. રંજીના નિધનના સમાચાર તેની બહેને ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા શેર કર્યા છે.

પોસ્ટમાં લખવામાં આવ્યા પ્રમાણે, રંજીતે 15 એપ્રિલે દુનિયાને અલવીદા કહી દીધું હતું. તેના અંતિમ સંસ્કાર પણ બુધવારે કરી દેવામાં આવ્યા હતા. લોકડાઉન ખતમ થયા બાદ પ્રાર્થના સભા યોજવામાં આવશે.

પ્રાર્થના સભામાં રંજીની જિંદગી અને તેની સાથે સંકળાયેલી વાતોને યાદ કરવામાં આવશે. રંજીત વર્ષ 1980માં અમેરિકા સ્થાયી થયા હતા. તેણે અનેક અમેરિકન શોમાં હિસ્સો લીધો હતો. રિપોર્ટ્સ પ્રમાણે રંજીતે સ્ટીવ કૈરેલ અને જૈના ફિશર જેવા કલાકારો સાથે કામ કર્યું છે. રંજીતે દીપા મહેતાની ફિલ્મ સેમ અને મૈમાં સ્ક્રીનપ્લે લખી હતી. દીપા મહેતાની ફિલ્મ માટે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રંજીતનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.