લખનઉઃ તબલીગી જમાતના કારણે દેશમાં કોરોના વાયરસના અનેક કેસ સામે આવ્યા છે. ક્વોરેન્ટાઈન કરવામાં આવેલા જમાતીઓ દ્વારા સ્વાસ્થ્યકર્મીઓ સાથે દુર્વ્યવહારના સમાચાર પણ સામે આવ્યા હતા. આ દરમિયાન જમાતીઓ ઉત્તર પ્રદેશ સરકારની મુશ્કેલી વધારી શકે છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, રાજધાની લખનઉમાં સદર વિસ્તાર દેશનો સૌથી મોટો હૉટ સ્પોટ બની ગયો છે.


સદર સ્થિતિ અલી જાન મસ્જિદમાં રોકાયેલા તબલીગી જમાતના 12 સભ્યોને પોલીસે પકડ્યા હતા. જે બાદ તેમના સેમ્પલ લેવામાં આવ્યા હતા આ તમામ 12 જમાતીઓનો કોરોના વાયરસ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જે બાદ સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે.

સદરમાં તબલીગી જમાતના સભ્યોના સંપર્કમાં આવેલા લોકોના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. જેના કારણે એક પછી એક સંક્રમિતો સામે આવી રહ્યા છે. મંગળવારે લખનઉમાં 31 લોકોનો  કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ તમામ લોકો સદર વિસ્તારના જ છે.

અધિકારીઓના જણાવ્યા પ્રમાણે પોઝિટિવ લોકોમાં 5 સગીર, 4 મહિલાઓ અને 22 પુરુષ સામેલ છે. પોઝિટિવ આવેલા તમામ લોકો કોઈને કોઈ રીતે જમાતીના સંપર્કમાં આવ્યા હતા.

તબલીગી જમાત સાથે જોડાયેલા ઉલેમાઓનો દાવો છે કે કોઈ સંગઠન કે અલગ વર્ગ નથી. તેમનું કામ માત્ર એટલું છે કે દરેક શહેર અને ગામે ફરીને લોકોને ઈસ્લામ પર સાચા માર્ગે ચાલવાની જાણકારી આપવી. સારા અને ખોટાના ફરકને સમજવાનો છે. વેપાર કે નોકરીમાંથી કરવામાં આવેલી કમાણીનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે તે જાણકારી પણ જમાત આપે છે. જમાત જે શહેર કે ગામમાં પણ જાય છે ત્યાં તેઓ હંમેશા મસ્જિદોમાં જ રોકાય છે.