મહાભારતમાં 'દ્રૌપદી'ના રોલ માટે બોલિવૂડની આ દિગ્ગજ એક્ટ્રેસની થઈ હતી પસંદગી, પરંતુ આ કારણે પાડી દીધી ના, જાણો વિગતે
એબીપી અસ્મિતા વેબ ટીમ | 22 Apr 2020 09:37 AM (IST)
મહાભારતમાં દ્રૌપદીના રોલ માટે જૂહી ચાવલાની પસંદગી થઈ હતી પરંતુ તેણે 1988માં આવેલી ફિલ્મ કયામત સે કયામતમાં એક્ટિંગ કરવાનું પસંદ કર્યુ.
નવી દિલ્હીઃ દેશમાં ચાલી રહેલા લોકડાઉન વચ્ચે ત્રણ દાયકા બાદ દૂરદર્શન પર ફરી એક વખત મહાભારતનું પ્રસારણ શરૂ થયું છે. આ સીરિયલના દરેક પાત્ર અને સ્ટોરી આજે પણ લોકોને એટલા જ ગમે છે. પરંતુ તાજેતરમાં મહાભારતને લઈ એક મોટો ખુલાસો થયો છે. મહાભારતમાં દ્રૌપદીના રોલ માટે જૂહી ચાવલાની પસંદગી થઈ હતી પરંતુ તેણે 1988માં આવેલી ફિલ્મ કયામત સે કયામતમાં એક્ટિંગ કરવાનું પસંદ કર્યુ અને મહાભારતના ઐતિહાસક પાત્ર બનવાની ના પાડી હતી. આ ઉપરાંત મહાભારતમાં અભિમન્યુના પાત્ર માટે ગોવિંદા અને ચંકી પાંડેની પણ પસંદગી થઈ હતી, તેમણે પણ મહાભારતના બદલે ફિલ્મોમાં એક્ટિંગ કરવાનું વિચાર્યું. આ વાતની જાણકારી ખુદ મહાભારતના કાસ્ટિંગ ડાયરેક્ટર ગુફી પેન્ટલે હિન્દુસ્તાન ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યૂમાં કરી હતી. તેમણે કહ્યું, મહાભારત માટે આશરે 5000થી વધારે લોકોના ઓડિશન લેવામાં આવ્યા હતા. જેમાં અનેક બોલિવૂડ એક્ટર પણ હતા, તેમને મહાભારતમાં વિવિધ ભૂમિકાઓ માટે પસંદ કરાયા હતા પરંતુ તેમણે ટેલિવિઝનના બદલે ફિલ્મોમાં કામ કરવાનું યોગ્ય માન્યું હતું. જૂહી ચાવલા અંગે વાત કરતાં તેમણે કહ્યું, તેને દ્રૌપદીનો રોલ ઓફર કરાયો હતો. પરંતુ તેણે 1988માં આવેલી ફિલ્મ કયામત સે કયામતમાં આમિર ખાન સાથે લીડ એક્ટ્રેસનો રોલ મળતાં ના પાડી દીધી હતી. આ ફિલ્મ તેની બીજી બોલિવૂડ ફિલ્મ હતી અને એક્ટ્રેસ તરીકે પ્રથમ. જૂહી ચાવલા સહિત દ્રૌપદીના રોલ માટે 6 એક્ટ્રેસ ફાઈનલ કરાઈ હતી. પરંતુ રૂપા ગાંગુલીની તેની હિન્દી ભાષા પરની જોરદાર પકડના કારણે ફાઈનલ કરવામાં આવી હતી.