બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચનને મુંબઈની નાનાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. એબીપી ન્યુઝને હોસ્પિટલના એક સુત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, અમિતાભ બચ્ચન રૂટિન ચેક-અપ માટે બે દિવસ પહેલાં હોસ્પિટલ આવ્યા હતા ત્યારે હોસ્પિટલમાં દાખલ થયા હતાં. (અમિતાભ બચ્ચનની આ બન્ને તસવીર જૂની છે.)

સુત્રો પ્રમાણે, આવી સ્થિતિમાં ડોક્ટરે તેમને આરામ કરવાની સલાહ આપી છે. જોકે તેઓ હોસ્પિટલમાં જ છે અને તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ છે. ચિંતા કરવાની કોઈ વાત નથી અને બધું જ સામાન્ય છે. હોસ્પિટલમાં અમિતાભ બચ્ચન આરામ કરી રહ્યા છે.

મીડિયા રિપોર્ટ્સમાં હાલ અમિતાભ બચ્ચનને લઈને એવી ચર્ચાઓ ચાલી રહી છે કે લીવરને લઈને અને તેની સારવાર માટે અમિતાભ બચ્ચન હોસ્પિટલમાં દાખલ થયા છે. પરંતુ હોસ્પિટલે હાલ ટિપ્પણી કરવાની ના પાડી દીધી છે.

એક ખાનગી ન્યુઝ એજન્સી પ્રમાણે, બિગ બીને લીવરમાં સમસ્યા બાદ મંગળવારે રાતે અમિતાભ બચ્ચનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. ત્યારથી તેમની સારવાર ચાલી રહી છે.