નવી દિલ્હીઃ ભારતના પીએમ મોદી અને બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાને 22થી 26 નવેમ્બર સુધી કોલકાતામાં રમાનાર ટેસ્ટ મેચમાં સામેલ થવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે. સૂત્રો દ્વારા મળે જીણકારી અનુસાર ક્રિકેટ એસોસિએસન ઓફ બંગાળ (સીએબી) દ્વારા બન્ને પીએમને આ ઐતિહાસિક અવસર પર એકસાથે આવવાનું આમંત્રણ મોકલ્યું છે.

ટીમ ઇન્ડિયા અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ ટી20 અને બે ટેસ્ટ સિરીઝ રમાશે. જ્યારે સૂત્રોના જણાવ્યા મુજબ બંને ટીમો વચ્ચે થનારી એક ટેસ્ટ મેચમાં પીએમ મોદી પણ ટીમ ઇન્ડિયાને ચીયર કરતા નજરે આવી શકે છે. અહેવાલ અનુસાર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાને 22થી 26 નવેમ્બર સુધી કોલકાતા ખાતે બંને દેશો વચ્ચે રમાવનારી ટેસ્ટ મેચમાં સામેલ થવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે.



બાંગ્લાદેશની ટીમ પ્રથમ વખત કોલકાતામાં ટેસ્ટ મેચ રમશે. જોકે એ વાતની પૃષ્ટી હજુ બાકી છે કે બંને પ્રધાનમંત્રી મેચમાં આવશે કે નહીં.

ક્રિકેટ ઍસોસિયેશન ઓફ બંગાળ આ પહેલા પણ ઘણી મોટી હસ્તીઓને સ્ટેડિયમમાં આવવાનું આમંત્રણ મોકલી ચૂક્યું છે. પાકિસ્તાન સામે 2016માં ટી-20 વર્લ્ડ કપની મેચમાં સીએબીએ બોલીવુડ અભિનેતા અમિતાભ બચ્ચનને આમંત્રણ મોકલ્યું હતું અને તે હાજર પણ રહ્યા હતા. પાકિસ્તાનના વર્તમાન પ્રધાનમંત્રી ઇમરાન ખાન પણ આ મુકાબલો જોવા હાજર રહ્યા હતા.

આ પહેલા પણ ભારતીય વડાપ્રધાન સ્ટેડિયમમાં મેચ જોવા પહોંચ્યા હતા. વર્ષ 2011 વર્લ્ડ કપ સેમીફાઇનલમાં પૂર્વ પીએમ મનમોહન સિંહ અને પાકિસ્તાનના પૂર્વ પીએમ યૂસુફ ગિલાની મોહાલી સ્ટેડિયમ પહોંચ્યા હતા.