મુંબઈ: ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહે આજે મુંબઈમાં પત્રકાર પરિષદ કરી ક્રિકેટના તમામ પ્લેટફોર્મ પરથી નિવૃતિની જાહેરાત કરી હતી. યુવરાજના સન્યાસ બાદ કરોડો ચાહકો નિરાશ થયા છે. યુવરાજ સિંહે ક્રિકેટમાંથી નિવૃતિ જાહેર કરતા સામાન્ય ફેન્સની સાથે બોલીવૂડના સ્ટાર્સ પણ નિરાશ થયા છે. ઘણા ફિલ્મ સ્ટાર્સે યુવરાજની નિવૃતિની લઈને ટ્વિટ કર્યું અને તેના યોગદાન માટે આભાર વ્યક્ત કર્યો હતો. નેહા ધૂપિયા, રવિના ટંડન, વરૂણ ઘવન, સુનીલ શેટ્ટી સહિતના સ્ટાર્સે યુવરાજને શુભકામનાઓ આપી હતી.

બોલીવૂડ અભિનેતા વરૂણ ઘવને ટ્વિટ કરી લખ્યું, 'તમામ યાદો માટે આભાર યુવરાજ સિંહ'


એક્ટ્રેસ અનુષ્કા શર્માએ લખ્યું, 'યાદો માટે આભાર યુવરાજ. તમે ઘણા લોકો માટે એક યોદ્ધા અને પ્રેરણા રહ્યા છો. જિંદગીની આગામી ઈનિંગમાં માટે શુભેચ્છાઓ'.


અભિનેતા સુનીલ શેટ્ટીએ યુવરાજના સન્યાસ પર ટ્વિટ કરતા લખ્યું, 'આ દિવસ બીજી વખત નહી આવે, કારણ કે યુવરાજ જેવી પ્રાકૃતિક પ્રતિભા ફરી વખત નહી જન્મે. અમે તને ખૂબ યાદ કરશું યુવી, આભાર'.


યુવરાજે 304 વન ડે રમીને 8710 રન બનાવ્યા હતા. તેમણે 14 સદી ફટકારી હતી. વન ડે ક્રિકેટમાં યુવરાજના નામની 111 વિકેટ પણ નોંધાયેલી છે. કરિયરની અંતિમ વન ડે તે 30 જૂન, 2017ના રોજ વેસ્ટ ઈન્ડિઝ સામે રમ્યો હતો. T-20માં યુવરાજે 58 મેચ રમીને 1177 રન બનાવ્યા હતા. ટી 20માં તેમના નામે 8 અડધી સદી છે. ટી20માં તેમણે 28 વિકેટ લીધી હતી. અંતિમ ટી20 1 ફેબ્રુઆરી,2017ના રોજ ઈંગ્લેન્ડ સામે રમ્યો હતો. ટેસ્ટ ક્રિકેટમાં યુવતાજનું બેટ અપેક્ષા મુજબનો દેખાવ કરી શક્યું નહોતું. તેણે 40 ટેસ્ટ રમીને 1900 રન બનાવ્યા હતા. તેમણે 3 સદી ફટકારી છે.