મુંબઈ: બોલિવૂડ સિંગર અદનાન સામીએ કોંગ્રેસ પ્રવક્તા જસવીર શેરગિલના ટ્વીટ પર વળતો જવાબ આપ્યો હતો જેમાં તેણે પદ્મશ્રીને સરકારની ચમચાગીરીનો જાદુ ગણાવ્યો હતો. અદનાન સામીએ તેના ટ્વીટનો જવાબ આપતા લખ્યું કે, ‘બાળક શું તમે મગજ ક્લિયરન્સ સેલમાંથી લાવ્યા છો કે સેકન્ડ હેન્ડ નોવેલ્ટી સ્ટોરમાંથી ખરીદ્યું છે?.


ટ્વિટર પર બંને એકબીજાને વળતા પ્રહાર કરી રહ્યા હતા. અદનાન સામીએ જસવીરને બાળક કહ્યો તો જસવીરે અદનાન સામીને અંકલ કહ્યો હતો. ભારતીય સંસ્કૃતિની વાતને લઈને બંનેએ એકબીજા પર તીખા પ્રહાર કર્યાં હતાં.

જસવીરે અદનાનને પદ્મશ્રી મળ્યો હતો તે વાતને લઈને મોદી સરકાર પર નિશાન સાધતા ટ્વીટ કર્યું હતું કે, કારગિલ યુદ્ધમાં સામેલ થનાર જવાન અને સેનાના પૂર્વ ઓફિસર મોહમ્મ્દ સનાઉલ્લાહને ફોરેનર જાહેર કરી દેવામાં આવ્યા હતાં જ્યારે ભારત વિરૂદ્ધ યુદ્ધ લડનાર પાકિસ્તાની વાયુસેનાના પાયલટના દીકરાને પદ્મશ્રી આપવામાં આવી રહ્યો છે. આ એનઆરસી અને સરકારની ચમચાગીરીનો જાદુ છે.

લંડનમાં જન્મ થયેલા અદનાન સામીના પિતા પાકિસ્તાન એરફોર્સમાં પાયલોટ હતા. અદનાને 2015માં ભારતીય નાગરિકતા માટે અરજી કરી હતી અને 2016માં તેમને નાગરિકતા પણ મળી ગઈ હતી. પદ્મશ્રી એનાયત થનાર 118 હસ્તીઓમાં અદનાન સામેલ છે. ગૃહ મંત્રાલયની સૂચિમાં તેનું ઘર મહારાષ્ટ્રમાં બતાવવામાં આવ્યું છે.