મુંબઇઃ અભિનેતા અન્નુ કપૂર એક ઓનલાઈન છેતરપિંડીનો શિકાર બન્યા હતા. અન્નૂ કપૂર સાથે કેવાયસીના નામે 4.36 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. એક ઓનલાઈન છેતરપિંડી કરનારે અભિનેતા અન્નુ કપૂરને ખાનગી બેંક સાથે તેની KYC વિગતો અપડેટ કરવાના બહાને રૂ. 4.36 લાખની છેતરપિંડી કરી હતી. પીટીઆઇએ એક પોલીસ અધિકારીને ટાંકીને આ જાણકારી આપી હતી. જો કે, પોલીસ દ્વારા સમયસર કાર્યવાહી કરવાથી તેમને 3.08 લાખ રૂપિયા પાછા મળી જશે.
ઓશિવારા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે અભિનેતાને ગુરુવારે એક અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો જે પોતાને બેંક કર્મચારી ગણાવી રહ્યો હતો. છેતરપિંડી કરનારે કપૂરને કહ્યું હતું કે તેમણે તેનું KYC ફોર્મ અપડેટ કરવાની જરૂર છે. ત્યારબાદ અભિનેતાએ તેની બેંક વિગતો અને વન ટાઈમ પાસવર્ડ (OTP) કોલર સાથે શેર કર્યો હતો. જેણે બાદમાં કપૂરના બેંક ખાતામાંથી રૂ. 4.36 લાખ અન્ય બે ખાતાઓમાં ટ્રાન્સફર કરી દીધા હતા. બેંકે તરત જ તેમને ટ્રાન્ઝેક્શન વિશે જાણ કરવા માટે ફોન કર્યો અને તેમને એ પણ જણાવ્યું હતું કે તેમના એકાઉન્ટ સાથે છેડછાડ કરવામાં આવી છે
કપૂરને 3.08 લાખ રૂપિયા પાછા મળશે
કપૂરે પોલીસનો સંપર્ક કર્યો અને જ્યાં પૈસા ટ્રાન્સફર થયા હતા તે બેંકનો સંપર્ક કરવામાં આવ્યો, તેઓએ કહ્યું કે આ બેંકો દ્વારા બંને ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યા છે અને કપૂરને 3.08 લાખ રૂપિયા પાછા મળશે. ઈન્ડિયન પીનલ કોડ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની જોગવાઈઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે ઓનલાઈન છેતરપિંડી કરનારને પકડવાના પ્રયાસો ચાલુ છે.