મુંબઈ: બોલીવૂડ અભિનેતા કાર્તિક આર્યન કોરોના સંક્રમિત થયો છે. હાલમાં જ અભિનેતાએ સોશિયલ મીડિયાના માધ્યમથી આ વાતની જાણકારી આપી છે. કાર્તિક આર્યને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરતા લખ્યું, "પોઝિટિવ થઈ ગયો, દુઆ કરો."
તમને જણાવી દઈએ કે કાર્તિક આર્યન હાલના દિવસોમાં ફિલ્મ ભૂલભૂલૈયા 2ની શૂટિંગ કરી રહ્યો છે. આ ફિલ્મમાં કિયાર અડવાણી અને તબ્બૂ પણ છે. બે દિવસ પહેલા જ અભિનેતા લેક્મે ફેશન વીકમાં અભિનેત્રી કિયારા અડવાણી સાથે રેમ્પ વોક કરતા જોવા મળ્યો હતો.
ભૂલ ભૂલૈયાની વાત કરવામાં આવે તો તેનું નિર્દેશન અનીસ બઝમીએ કર્યું છે. કોરોનાના કારણે ફિલ્મના શૂટિંગમાં વાર લાગી છે. લોકડાઉન પૂરુ થયા બાદ આ ફિલ્મનું શૂટિંગ ફરી શરુ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ 2007ની હોરર કૉમેડી ભૂલ ભુલૈયાની સિક્વલ છે. તેને અનીસ બઝમીએ નિર્દેશન કર્યું હતું જેમાં અક્ષય કુમાર, શાઈની આહૂઝા, વિદ્યા બાલન અને અમીષા પટેલ જોવા મળ્યા હતા.
આ સિવાય કાર્તિક આર્યન નેટફ્લિક્સની ફિલ્મ ધમાકામાં પણ જોવા મળશે. આ ફિલ્મનું ટીઝર થોડા દિવસો પહેલા જ રિલીઝ થયું છે જેને ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યું છે. કાર્તિક આર્યન આ ફિલ્મમાં જર્નલિસ્ટ અર્જુન પાઠકની ભૂમિકામાં છે.
આ ફિલ્મને રામ માધવાણી ડાયરેક્ટ કરશે. આ પહેલા તેમણે નીરજાને ડાયરેક્ટ કરી છે. રોની સ્ક્રૂવાલા, અમીતા માધવાણી અને રામ માધવાણીએ પ્રોડ્યૂસ કરી છે. આ ફિલ્મ ક્યારે રીલીઝ થશે તેને લઈને કોઈ જાણકારી સામે નથી આવી.
દેશભરમાં ફરી એક વખત કોરોના વાયરસે માથું ઊંચક્યું છે. દેશના ઘણા રાજ્યોમાં સતત કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે. ખાસ કરીને મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ બેકાબૂ બની છે. બોલિવૂડ સ્ટાર્સ પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે. થોડા દિવસો અગાઉ રણબીર કપૂર કોરોના પોઝિટિવ આવ્યો હતો.