ઇન્દોરઃ પાકિસ્તાની મૂલના ભારતીય ગાયક અદનાન સામીને પદ્મશ્રી એવોર્ડ આપવાની જાહેરાત થઇ, ત્યારે બૉલીવુડનુ એક જુથ ખુશ થઇ ગયુ હતુ, જ્યારે બીજુ જુથ નિરાશ દેખાયુ હતુ. હવે આ મામલે એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે પોતાનો રોષ ઠાલવ્યો છે. સ્વરા ભાસ્કરે પદ્મશ્રી પુરસ્કાર આપવાને લઇને સરકાર પર હુમલો કર્યો છે. સ્વરા અવારનવાર સરકાર પર નિશાન સાધતી રહે છે.


સ્વરા ભાસ્કરે શહેરના એક સામાજિક સંગઠન તરફથી આયોજિત 'સંવિધાન બચાઓ, દેશ બચાઓ' રેલીમાં કહ્યું કે, તમે અમને (સીએએ વિરોધી પ્રદર્શનકારી) ગાળો આપો, અમારી ઉપર લાકડીઓ ચલાવો, અમને ચપ્પલ મારો, અમારી ઉપર ગેસ છોડો અને એક પાકિસ્તાનીને પદ્મશ્રી આપી દીધો. આ તો એક સરકારની ખાસિયત છે અને આ લોકો અમને ટુકડે ટુકડે ગેન્ગના સભ્ય, એન્ટી નેશનલ અને ખબર નથી શું શું ગણાવી રહ્યાં છે.



સ્વરાએ સીએએના વિરોધમાં જોડાયેલા હજારો લોકોની હાજરીમાં આરોપ લગાવ્યો કે આ કાયદો બનાવીને બંધારણની સાથે મોટો વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે.



ઉલ્લેખનીય છે કે, એક્ટ્રેસે સીએએ, એનઆરસી જેવા કાયદાને ટાંકીને મોદી સરકાર પર સીધો હુમલો કર્યો છે. એક્ટ્રેસ અવારનવાર સોશ્યલ મીડિયા પર પણ સરકાર વિરોધી ટ્વીટ કરતી જોવા મળે છે.