મુંબઇઃ બોલિવૂડ એક્ટર અજય દેવગણની ફિલ્મ તાનાજીઃ ધ અનસંગ વોરિયર આગામી વર્ષે 10 જાન્યુઆરીના રોજ રીલિઝ થશે. આ ફિલ્મમાં અજય સિવાય તેમની પત્ની કાજોલ તાનાજીની પત્ની સાવિત્રીબાઇ માલુસરેની ભૂમિકા નિભાવી રહી છે. ફિલ્મમાં સૈફ અલી ખાન પણ મુખ્ય ભૂમિકા નિભાવી રહ્યા છે. અજય દેવગણ પોતાની ફિલ્મ તાનાજીઃ ધ અનસંગ વોરિયરને લઇને ખૂબ ઉત્સાહિત છે. આ માટે તે ફિલ્મનું જોરશોરથી પ્રમોશન કરી રહ્યો છે.


મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં અજય દેવગણને દેશમાં નાગરિકતા સંશોધન કાયદા પર થઇ રહેલા વિવાદ પર તેનો મત માંગવામાં આવ્યો હતો જેના પર અજયે કાંઇ પણ કહેવાનો ઇનકાર કરી દીધો હતો. આ મુદ્દા પર પોતાનો મત મુકતા અજય દેવગણે કહ્યુ કે, બોલિવૂડ સ્ટાર્સે કેટલાક મુદ્દા પર બોલી શકતા નથી. કારણ કે તેના પર કાંઇક કહીશ તો કોઇને ખરાબ લાગશે. કેટલાક  લોકો વિરોધ પ્રદર્શન કરશે.

અજયે આગળ કહ્યું કે, જો હું કે સૈફ અલી ખાન તેના પર કાંઇક કહીશ તો લોકો આવતીકાલે વિરોધ પ્રદર્શન કરશે. તે મારી ફિલ્મ તાનાજીને બેન પણ કરી દેશે. જેનાથી ફિલ્મના નિર્માતાને નુકસાન થશે. હું પણ આ ફિલ્મનો નિર્માતા છું. આ અગાઉ આમિર ખાન અને સંજય લીલા ભણશાલી સાથે પણ આવું થઇ ચૂક્યું છે. લોકોને ખ્યાલ નથી હોતો કે ફિલ્મ બનાવવામાં અનેક લોકો સામેલ હોય છે. એનાથી તમામને નુકસાન થશે.