Akshay Kumar on PM Modi: 8 સપ્ટેમ્બરે બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારની માતાનું નિધન થયું. જે બાદ ફેન્સની સાથે સ્ટાર્સે પણ શ્રદ્ધાંજલી આપી હતી. હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અક્ષય કુમારને શોક સંદેશ મોકલ્યો છે.
શોક સંદેશમાં શું લખ્યું પીએમ મોદીએ
અક્ષય કુમારે પીએમ મોદીનો શોક સંદેશ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. મોદીએ લેટરની શરૂઆતમાં લખ્યું, મારા પ્રિય અક્ષય, જો હું આવો પત્ર કયારેય ન લખત તો સારું થાત. એક આદર્શ દુનિયામાં આવો સમય ક્યારેય ન આવવો જોઈએ. તમારી માતા અરૂણા ભાટિયાના નિધનના સમાચાર સાંભળી દુખ થયું.
મોદીએ એમ પણ લખ્યું, તમે ખૂબ મહેનત અને સંઘર્ષ બાદ સફળતાનો સ્વાદ ચાખ્યો છે. પોતના દ્રઢ સંકલ્પ અને મહેનત દ્વારા નામ બનાવ્યું છે. તમારી સફરમાં તમે મૂલ્યો અને નૈતિક શક્તિ બનાવી રાખી, જેનાથી તમે સરળતાથી વિપરિત પરિસ્થિતિને પણ અવસરમાં બદલી શકો છો અને આ બધું તમને માતા-પિતા તરફથી મળ્યું છે. જ્યારે તમે કરિયરની શરૂઆત કરી અને કપરો તબક્કો આવ્યો ત્યારે તમારી માતા મજબૂતાઈથી તમારી સાથે ઉભી રહી હતી. તમે દરેક સમય દયાળુ અને વિનમ્ર રહો તે તેણે સુનિશ્ચિત કર્યુ હતું.
પત્રના અંતમાં મોદીએ લખ્યું કે, ખુશીની વાત છે કે તેમણે જીવન દરમિયાન તમારી સફળતા અને સ્ટારડમની નવી ઊંચાઈને આંબતા જોયા. તમે જે રીતે તેમની દેખભાળ કરી તે ખૂબ પ્રેરણાદાયક છે. તેનો દીકરો ભારતના સૌથી પ્રશંસિત અને બહુમુખી અભિનેતાઓમાંથી એક છે તે પૂરી રીતે જાણ્યા બાદ દુનિયાને અલવિદા કહ્યું. આવી દુખની ઘડીમાં શબ્દો ઓછા પડે છે. તેમની યાદો અને વારસાને સંભાળીને રાખજો અને તેમને ગૌરવ અપાવજો. આ દુખના સમયમાં તમારા અને તમારા પરિવાર પ્રત્યે મારી સંવેદના.
અક્ષય કુમારે પીએમ મોદીનો શોક સંદેશ શેર કરીને લખી આ વાત
પીએમ મોદીના પત્રને શેર કરતા અક્ષય કુમારે તેની પોસ્ટના કેપ્શનમાં લખ્યું, માતાના નિધન બાદ મળેલા તમામ શોક સંદેશ માટે આભારી છું. મારા દિવંગત માતા-પિતા માટે સમય કાઢવા અને પોતાની ભાવના વ્યક્ત કરવા માટે માનનીય પ્રધાનમંત્રીનો આભારી છું. તમારા આ શબ્દો હંમેશા અમારી સાથે રહેશે. જય અંબે.