Amitabh Bachchan Birthday: છેલ્લા પાંચ દાયકાથી પોતાની ફિલ્મોથી દિલ પર રાજ કરી રહેલા અમિતાભ બચ્ચન આજે 80 વર્ષના થઈ ગયા છે. આ અવસર પર તેમના ચાહકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બિગ બીએ પણ તેમના ચાહકોને એક એવું સરપ્રાઈઝ આપ્યું જેની કદાચ તેમને અપેક્ષા પણ નહીં હોય.






અમિતાભ બચ્ચન તેમના જન્મદિવસ પર તેમના ચાહકોને મળ્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. હિન્દી સિનેમાના સૌથી મોટા સુપરસ્ટાર અમિતાભ બચ્ચનના 80માં જન્મદિવસના ખાસ અવસર પર તેમના જુહુના બંગલા જલસાની બહાર ચાહકોની ભીડ ઉમટી હતી. તમામ ફેન્સ પોતાના ફેવરિટ સ્ટારને અભિનંદન આપવા પહોંચી ગયા હતા. આવી સ્થિતિમાં બિગ બીએ તેમને નિરાશ કર્યા નહોતા. અમિતાભ બચ્ચન બંગલા બહાર આવ્યા હતા અને ચાહકોનું અભિવાદન ઝીલ્યુ હતું.


બિગ બી ચાહકોને મળ્યા હતા


અમિતાભ બચ્ચન પોતાના તમામ ચાહકોને મળવા બંગલામાંથી બહાર આવ્યા કે તરત જ ત્યાં એકઠા થયેલા તેમના તમામ ચાહકોની ખુશીની કોઈ સીમા રહી નહોતી. દરેકે પોતપોતાની શૈલીમાં તેમને 80મા જન્મદિવસની ખૂબ જ ઉત્સાહ સાથે શુભેચ્છા પાઠવી હતી. અમિતાભ બચ્ચને પણ પોતાના ચાહકોનો એટલી જ હૂંફ સાથે આભાર માન્યો હતો. આ પ્રસંગે ચાહકોએ તેમના બંગલાની બહાર જન્મદિવસની કેક પણ કાપી હતી.


દીકરી શ્વેતા પણ કેમેરામાં કેદ થઈ ગઈ


અમિતાભ પોતાના ચાહકોને મળવા થોડીવાર માટે બંગલામાંથી બહાર આવ્યા ત્યારે તેમની સાથે તેમની પુત્રી શ્વેતા બચ્ચન પણ જોવા મળી હતી, જે તેમના પિતાને જન્મદિવસની શુભેચ્છા આપવા આવેલા ચાહકોની ભીડ જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. અમિતાભ અને શ્વેતા ઉપરાંત આ પ્રસંગે બિગ બીની પૌત્રી નવ્યા નવેલી પણ જોવા મળી હતી.