ઓસ્કાર વિજેતા સંગિતકાર એઆર રહેમાનના માતા કરીમા બેગમનું 28 ડિસેમ્બર સોમવારના રોજ ચેન્નઈમાં નિધન થયું છે. એ આર રહેમાને પોતાના સોશિયલ મીડિયા પર પોતાની માતાની તસ્વીર પોસ્ટ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે કરીમા બેગમનું નિધન ઉંમર સંબંધીત બીમારીના કારણે થયું છે.




કરીમા બેગમના લગ્ન ભારતીય સંગીતકાર રાજગોપાલ કુલશેખરન સાથે થયા હતા. કરીમા બેગમનું મૂળ નામ કસ્તુરી હતું, તેમજ એઆર રહેમાનનું પણ મૂળ નામ દિલીપ કુમાર હતું. જે બાદમાં બદલી દેવામાં આવ્યું. થોડા સમય પહેલા એ આર રહેમાને માતા પર ચર્ચા કરતા જણાવ્યું હતું કે 'મારી મા એ મારામાં રહેલી સંગીતની પ્રતિભાને ઓળખી હતી.

માનવામાં આવે છે કે એઆર રહેમાન પોતાની માતાના ખુબ નિકટ હતા. તેઓએ એકવાર જણાવ્યું હતું કે 'જયારે હું નવ વર્ષનો હતો, ત્યારે મારા પિતાનું દેહાંત થઈ ગયું હતું. ત્યારે મારી માતા પિતાજીના મ્યુઝીકલ ઈન્સ્ટ્રુમેન્ટને ઉધાર પર આપીને ઘર ચલાવતી હતી. એમણે એક ઈન્સ્ટ્રુમેન્ટ વેચીને એ પૈસાના વ્યાજમાં ઘર ચલાવવાની સલાહ પણ આપવામાં આવી. ત્યારે મારી માતા કહેતી હતી કે મારે દીકરો છે. એ આ સમાનની સાચવણી કરશે."

તમિલનાડુના મુખ્યમંત્રી પલાનીસ્વામી અને ડીએમકે અધ્યક્ષ એમ કે સ્ટાલિને રહેમાનના માતાની નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. પલાનીસ્વામીએ ટ્વિટ કરતા કહ્યું, બીમારીના કારણે મહાન સંગીતકાર એ આર રહેમાનના માતા કરીમા બેગમના નિધનના સમાચાર સાંભળી દુખી છું.