Aryan Khan Arrested: ક્રૂઝ પર ડ્ર્ગ્સ પાર્ટી મામલે અટકાયતમાં લેવાયેલા શાહરુખ ખાનના દિકરા આર્યન ખાનની એનસીબીએ ધરપકડ કરી હતી. ધરપકડ બાદ એનસીબીની ટીમ  તમામ આઠ લોકોને મેડિકલ માટે લઈ ગઈ છે, જેમની ગત રાત્રે અટકાયત કરવામાં આવી હતી.


જણાવવામાં આવી રહ્યું છે કે મેડિકલ બાદ તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. અટકાયત કરવામાં આવેલા આઠમાંથી ત્રણ લોકોની એનસીબીએ સત્તાવાર રીતે ધરપકડ કરી છે.  આ ત્રણ લોકોને જેજે હોસ્પિટલની અંદર લઈ જવામાં આવ્યા છે, જ્યાં તેમનું મેડિકલ કરવામાં આવશે. 


મુંબઈથી ગોવા જઈ રહેલા લક્ઝરી ક્રૂઝની ડ્રગ્સ પાર્ટી પર નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી)ની ટીમે પાડેલા દરોડામાં શાહરૂખ ખાનના દીકરાની પૂછપરછ થઈ રહી હોવાની નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી)એ સત્તાવાર જાહેરાત કરી હતી.  નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી)ના મુંબઈના ડિરેક્ટર સમીર વાનખેડેએ શાહરૂખના દીકરા સહિત આઠ લોકોની પૂછપરછ કરાઈ રહી હોવાનું જણાવ્યું હોવાનું એએનઆઈ દ્વારા ટ્વિટ કરવામાં આવ્યું હતું.


નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી)ના મુંબઈના ડિરેક્ટર સમીર વાનખેડેએ આપેલી માહિતી પ્રમાણે શાહરૂખના દીકરા આર્યન ખાનની સાથે ત્રણ યુવતીની પણ પૂછપરછ કરાઈ રહી છે. આર્યન ખાન ઉપરાંત અરબાઝ મર્ચન્ટ, મુનમુન ધામેચા, નુપુર સારિકા, ઈસ્મિત સિંઘ, મોહક જસવાલ, વિક્રાન્ત ચોકર અમને ગોમિત ચોપરાની પૂછપરછ કરાઈ રહી છે એવો દાવો આ અહેવાલમાં કરાયો છે.  આ ઉપરાંત ક્રુઝના આયોજકોને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે.


 ક્રૂઝની અંદર ચાલી રહેલી પાર્ટીનો એક વીડિયો પણ એનસીબીના હાથમાં આવ્યો છે જેમાં આર્યન જોવા મળી રહ્યો છે. પાર્ટી દરમિયાન આર્યને વ્હાઈટ ટી શર્ટ, બ્લુ જીન્સ, રેડ ઓપન શર્ટ અને કેપ પહેરેલા હતા. એક અહેવાલ પ્રમાણે જે લોકોને પકડવામાં આવ્યા છે તેમના પાસેથી રોલિંગ પેપર પણ મળ્યા છે. 


કસ્ટડીમાં લેવામાં આવેલા અન્ય લોકોના મોબાઈલ ફોન જપ્ત કરીને પણ તપાસ કરવામાં આવી રહી છે. આ કેસમાં દિલ્હીથી આવેલી 3 છોકરીઓની પણ કસ્ટડીમાં પુછપરછ થઈ રહી છે. તે ત્રણેય મોટા બિઝનેસમેનની દીકરીઓ હોવાનું જાણવા મળ્યું છે.