મુંબઈ: ઓટીટી પ્લેટફોર્મ ડિઝ્ની હોટસ્ટાર પર આજે  ફિલ્મ ભુજ:ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા રિલીઝ થઈ છે.  સ્ટાર્સ તરીકે જોઈએ તો ફિલ્મમાં એવા નામો છે જે દર્શકોને આકર્ષિત કરે છે. અજય દેવગણ, સંજય દત્ત, સોનાક્ષી સિન્હાથી લઈને ફેમસ ડાન્સર નોરા ફતેહી. આ તમામને સાથે મળી જોઈએ તો ફિલ્મ માટે સારી એવી ફેન ફોલોવિંગ બની જાય છે.


ભુજ: ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા એવી ફિલ્મોમાંથી છે જેની આતુરતાથી રાહ જોવામાં આવી રહી હતી. આ ફિલ્મને મોટા પડદા માટે બનાવવામાં આવી હતી પરંતુ કોરના સંકટના કારણે થિયેટર સુધી ન પહોંચી શકી. આ ફિલ્મ 1971માં ભારત-પાકિસ્તાન યુદ્ધની સત્ય ઘટનાઓ પર આધારિત છે. 


પાકિસ્તાને પોતાના નાપાક ઈરાદાઓ સાથે રાજસ્થાન, પંજાબ અને ગુજરાતની હવાઈ પટ્ટીઓ પર બોમ્બ ફેંક્યા હતા. ખાસ કરીને કચ્છ  સ્થિત ભુજની હવાઈ પટ્ટી પર સેંકડો બોમ્બ ફેંકી તેને નષ્ટ કરવામાં આવી હતી. જેથી પાકિસ્તાનનો જમીની હુમલો થાય અને ભારતીય વિમાન તેને રોકવા અહીં હવાઈ પટ્ટી પરથી ન ઉડી શકે. પરંતુ ભારતની વળતી કાર્યવાહીમાં પાકિસ્તાનના કરાચી બંદર અને ઘણા ઠેકાણાઓને બરબાદ કરી નાખ્યા હતા.


ભુજ: ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયાની સ્ટોરી મુખ્ય રીતે ભારતીય વાયુસેનાના સ્ક્વાડ્રન લીડર વિજય કાર્ણિક(અજય દેવગણ)ની બહાદુરી અને દૂરદર્શી નિર્ણયોની વાત પર છે. જ્યારે પાકિસ્તાની હુમલાના ડરથી હવાઈ પટ્ટી બનાવતા એન્જીનિયર ભાગી ગયા હતા, ઘણા સૈનિકો ઈજાગ્રસ્ત થયા હતા ત્યારે તેમણે નજીકના ગામમાં આશરે 300 સ્ત્રી-પુરુષની મદદથી રાતોરાત ફરી એક વખત હવાઈ પટ્ટી તૈયાર કરી દિધી હતી. જેથી સૈનિકોને લઈ આવેલુ વાયુસેનાનું વિમાન અહીં ઉતર્યું અને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો.



અજય દેવગણ વિજય કર્ણિકની ભૂમિકામાં છે. અજય દેવગણ  જે પોતાની આંખોથી અભિનય કરી રહ્યો છે, તે અહીં દર્શકોમાં પણ લાગણીઓની ભરતી ઉભી કરવામાં સફળ રહ્યો છે.  સેનાને મદદ કરનાર રો ની સદસ્યતા મેળવેલા  બહાદુર ગ્રામીણ રણછોડદાસ પગી બનેલા, સંજય દત્ત પોતાના સંવાદ શાનદાર રીતે બોલ્યા છે. તેની એક્શન પણ શાનદાર છે.   ચોક્કસ તેને સિનેમા હોલમાં આ કામ માટે તાળીઓ મળશે. સોનાક્ષી સિન્હા તેની ભૂમિકા ભજવવામાં સફળ રહી છે પરંતુ નોરા ફતેહી તેના નાના રોલમાં છાપ છોડી ગઈ છે.