Gangubai Kathiawadi Film: આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી'નો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા અરજી દાખલ કરવામાં આવી ત્યારથી ફિલ્મને લઈને સતત હોબાળો થઈ રહ્યો છે.બોમ્બે હાઈકોર્ટે બુધવારે આલિ ભટ્ટ સ્ટારર ફિલ્મ સામેની બે અરજીઓ ફગાવી દીધી હતી અને એક અરજીનો નિકાલ કર્યો હતો. ફગાવી દીધેલી અરજીઓમાં કોંગ્રેસના ધારાસભ્ય અમીન પટેલ દ્વારા દાખલ કરાયેલી અરજીનો સમાવેશ થાય છે. હાઈકોર્ટે હિરેન મહેતાની અરજીનો નિકાલ કર્યો છે. બોમ્બે હાઈકોર્ટે ફિલ્મને કોઈપણ જાતના અવરોધ વગર 25 તારીખે રજૂ કરવાનો ઓર્ડર કર્યો છે.
કોંગ્રેસના ધારાસભ્યએ શું કરી હતી અરજી
કોંગ્રેસના ધારાસભ્ય અમીન પટેલે તેમની અરજીમાં કહ્યું હતું કે આ ફિલ્મ કમાઠીપુરાને રેડ-લાઇટ એરિયા બતાવે છે અને કાઠિયાવાડી સમાજને પણ ખોટી રીતે બતાવે છે.
ફિલ્મને લઈને કેમ છે વિવાદ?
આલિયા ભટ્ટની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી રિલીઝ પહેલા જ વિવાદનો હિસ્સો બની ગઈ છે. ગંગુબાઈ કાઠિયાવાડીના પરિવારજનોએ દાવો કર્યો છે કે મેકર્સે પૈસાના લોભમાં તેમના પરિવારને બદનામ કર્યો છે. પરિવારના સભ્યોનું કહેવું છે કે ફિલ્મમાં સામાજિક કાર્યકર ગંગુબાઈ કાઠિયાવાડીને સેક્સ વર્કરના રોલમાં બતાવવામાં આવી છે.
ફિલ્મને UA સર્ટિફિકેટ મળ્યું છે
સંજય લીલા ભણસાલી દ્વારા નિર્દેશિત અને આલિયા ભટ્ટ અભિનીત ગંગુબાઈ કાઠિયાવાડીને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) તરફથી UA પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે. આ ફિલ્મને બોર્ડ દ્વારા ન્યૂનતમ ફેરફારો સાથે મંજૂરી આપવામાં આવી છે. ગંગુબાઈ કાઠિયાવાડીની વાર્તા મુંબઈના કમાઠીપુરામાં એક કિશોરવયની છોકરીની આસપાસ ફરે છે, જે તેના જીવનમાં અડચણોને પાર કરીને કુખ્યાત સેક્સ વર્કર બની જાય છે. ફિલ્મની વાર્તા પ્રખ્યાત લેખક હુસૈન ઝૈદીની નવલકથા માફિયા ક્વીન્સ ઓફ મુંબઈ પર આધારિત છે.
સુપ્રીમ કોર્ટે નામ બદલવાનો આપ્યો આદેશ
બુધવારે સુપ્રીમ કોર્ટે ફિલ્મનું નામ બદલવાનો આદેશ આપ્યો છે. હુસૈન ઝૈદીના પુસ્તક માફિયા ક્વીન્સ ઑફ મુંબઈના એક પ્રકરણ પર આધારિત, ફિલ્મના ટ્રેલર અને ગીતોએ ઘણું ધ્યાન ખેંચ્યું છે અને આ ફિલ્મ 25 ફેબ્રુઆરીએ સ્ક્રીન પર આવવાની છે. ફિલ્મ રિલીઝ થવામાં માત્ર 2 દિવસ બાકી છે અને આવી સ્થિતિમાં ભણસાલી આ સમગ્ર મામલાને કેવી રીતે હેન્ડલ કરશે તે જોવાનું રહેશે. તમને જણાવી દઈએ કે આ પહેલો કિસ્સો નથી જ્યારે સંજય લીલા ભણસાલીની ફિલ્મ વિવાદમાં આવી હોય. આ પહેલા પણ સંજય લીલા ભણસાલીની ઘણી ફિલ્મો વિવાદોનો સામનો કરી ચુકી છે.