How Movies Gain Profit: છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીને કારણે થિયેટરો બંધ થઈ ગયા હતા. પરંતુ, આ વર્ષથી સિનેમાઘરો શરૂ થયા બાદ ફરી એકવાર ફિલ્મોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. જો કે, લાંબા સમય બાદ રિલીઝ થનારી ફિલ્મો બૉક્સ ઑફિસ પર અપેક્ષા મુજબ કમાણી નથી કરી રહી. વર્ષ 2022ના 8 મહિના પુર્ણ થવા જઈ રહ્યા છે અને આ દરમિયાન ઘણી ફિલ્મો રિલીઝ થઈ છે, જેને જોવામાં દર્શકોએ રસ નથી બતાવ્યો છે. તાજેતરમાં રિલીઝ થયેલી 'લાલ સિંહ ચઢ્ઢા' અને 'રક્ષાબંધન'માં પણ કંઈક આવું જ જોવા મળ્યું હતું. ત્યારે સવાલ એ ઉઠે છે કે, બોક્સ ઓફિસ પર ફિલ્મો ફ્લોપ થવા છતાં ફિલ્મી સિતારાઓ પર તેની અસર કેમ દેખાતી નથી. આવો તમને જણાવીએ કે બોક્સ ઓફિસ સિવાય ફિલ્મો ક્યાંથી કમાણી કરે છે.
ડિસ્ટ્રીબ્યૂટર્સ દ્વારા થાય છે ફાયદોઃ
ફિલ્મોની કમાણીને મોડલને સમજવા માટે આમિરની ફિલ્મનું ઉદાહરણ લઈએ. આમિર ખાન લાલ સિંહ ચઢ્ઢાના નિર્માતા પણ હતા. આ ફિલ્મનું નિર્માણ વાયકોમ 18ના બેનર હેઠળ કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે એવું બને છે કે, ફિલ્મના નિર્માતાઓ મોટી કિંમતે વિતરકો (Distributor)ને ફિલ્મના રાઈટ્સ વેચે છે, જેથી વિતરકો ફિલ્મને થિયેટરોમાં લઈ જાય છે અને નફો કમાય છે. આમ ફિલ્મ નિર્માતાઓને આનો સીધો ફાયદો અને ફિલ્મની બમ્પર કમાણી તેની રિલીઝ પહેલાં જ મળે છે. આમ જો ફિલ્મ કમાણી કરે તો ફાયદો પણ વિતરકોને થાય છે અને જો ફિલ્મ ના ચાલે તો વિતરકોને નુકસાન સહન કરવું પડે છે.
OTT થી પણ કમાણીઃ
સિનેમાઘરોમાં ફિલ્મની રિલીઝના નિર્ધારિત સમય પછી તેને OTT પ્લેટફોર્મ પર બતાવવાનો આજકાલ ટ્રેન્ડ છે. આ માટે OTT પ્લેટફોર્મે ફિલ્મના રાઇટ્સ ખરીદવા પડશે. જો કે, સતત ફ્લોપ ફિલ્મોના કારણે OTT સ્માર્ટ બની ગયા છે. તે પહેલાં થિયેટરોમાં ફિલ્મનું પ્રદર્શન જુએ છે અને પછી તે મુજબ બજેટ નક્કી કરે છે. આનું એક મોટું ઉદાહરણ છે લાલ સિંહ ચડ્ડા, જેમની નેટફ્લિક્સ સાથે હજુ સુધી ડીલ થઈ નથી. આમિર ખાન જે બજેટમાં ફિલ્મના ડિજિટલ રાઈટ્સ વેચવા માગતો હતો તે બજેટ નેટફ્લિક્સે મંજૂર કર્યું ન હતું અને આવી સ્થિતિમાં સોદો નથી થઈ શક્યો.
બ્રાન્ડ સ્પોન્સર્સ અને TV રાઈટ્સ દ્વારા કમાણીઃ
જો તમે નોંધ્યું હશે કે, ઘણી વખત ફિલ્મમાં કોઈ મોટી કંપનીનો શોરૂમ કે તેનું નામ કે લોગો બતાવવામાં આવતો હોય છે. આ માટે નિર્માતા કંપનીઓ પાસેથી કરોડો રૂપિયા લે છે, જેનો ફાયદો પણ ફિલ્મને થાય છે. આ સાથે જ ફિલ્મની રિલીઝ પછી તેને ટીવી પર બતાવા માટે વિવિધ ચેનલો મેદાનમાં આવતી હોય છે. ફિલ્મના ટેલિકાસ્ટ રાઈટ્સ ખરીદવા માટે રસ ધરાવતી ટીવી ચેનલો કરોડો રુપિયા ફિલ્મ નિર્માતાઓને આપે છે.
ફિલ્મના પ્રી-બુકિંગની પણ મહત્વની ભૂમિકાઃ
ઘણીવાર સિનેમાઘરોમાં ફિલ્મની રિલીઝ પહેલા જ એડવાન્સ બુકિંગ શરૂ થઈ જાય છે. અહીંથી થયેલી કમાણી પણ ફિલ્મના પ્રી-બિઝનેસ કલેક્શનની હોય છે.