Cannes Film Festival 2022:  બોલિવૂડની જાણીતી એક્ટ્રેસ દીપિકા પાદુકોણ આ વર્ષે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં જ્યુરી સભ્ય તરીકે સામેલ થઇ છે. આ વર્ષે ખાસ વાત એ પણ છે કે કાન્સમાં ભારતને 'કન્ટ્રી ઓફ ઓનર' બનાવવામાં આવ્યું છે. બુધવારે કાન્સમાં ભારતીય પેવેલિયનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ અવસર પર દીપિકા પાદુકોણે પોતાના શબ્દોથી પ્રશંસા મેળવી હતી. તેમણે કહ્યું કે એક દિવસ ચોક્કસ આવશે જ્યારે ભારત કાન્સમાં નહીં આવે, પરંતુ કાન્સ ભારતમાં યોજાશે.






દીપિકા પાદુકોણે કહ્યું, મને ખૂબ ગર્વ છે કે આ વર્ષે કાન્સનું 75મું વર્ષ છે અને ભારત પણ 75 વર્ષનું થઈ રહ્યું છે. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે ભારત સ્પોટલાઈટ દેશ બનશે અને હું જ્યુરીનો ભાગ બનીશ. 15 વર્ષ પહેલાં જ્યારે હું આ ઇન્ડસ્ટ્રીઝમાં આવી હતી ત્યારે મને નથી લાગતું કે કોઈને મારામાં, મારી પ્રતિભામાં કે મારા ક્રાફ્ટ પર વિશ્વાસ હતો. 15 વર્ષ પછી અહીં જ્યુરીનો ભાગ બનવા અને વિશ્વની શ્રેષ્ઠ સિનેમાનો અનુભવ કરવો એ એક અદભૂત સફર રહી છે. હું તેના માટે ખૂબ જ આભારી છું.


 દીપિકાએ કહ્યું, "મને સંપૂર્ણ ખાતરી છે કે ભારત મહાનતાની ટોચ પર છે. આ માત્ર શરૂઆત છે. તે રહેમાન સર (એઆર રહેમાન) અને શેખર સર (શેખર કપૂર) જેવા લોકો છે જેમણે ભારતને વૈશ્વિક સ્તરે ઓળખ અપાવી છે. તમારા જેવા લોકોના કારણે એ શક્ય બની શક્યુ છે કે અમારા જેવા લોકો  અહીં આવી શક્યા છે. એક દેશ તરીકે અમારે હજુ લાંબી સફર પૂર્ણ કરવાની છે.


આ દરમિયાન માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર, પ્રખ્યાત સંગીતકાર એઆર રહેમાન અને શેખર કપૂર પણ દીપિકા સાથે મંચ પર બેઠા હતા. આ પ્રસંગે દીપિકાએ કહ્યું હતું કે કાન્સમાં દેશનું નેતૃત્વ કરવા બદલ તે ગર્વ અનુભવે છે. તેમણે કહ્યું કે મને ખાતરી છે કે એક દિવસ એવો આવશે જ્યારે ભારત કાન્સમાં નહીં હોય પરંતુ કાન્સ ભારતમાં હશે.