Chhello Show Oscar: તાજેતરમાં દિગ્દર્શક પાન નલિનની ગુજરાતી ફિલ્મ ' છેલ્લો શો' (ધ લાસ્ટ શો) વિદેશી ભાષા કેટેગરીમાં ઓસ્કાર એવોર્ડ નોમિનેશન માટે ભારતીય એન્ટ્રી તરીકે મોકલવામાં આવી હતી. પરંતુ આ ફિલ્મ વિદેશી ફિલ્મની નકલ હોવાને લઈને તેની પસંદગીની પ્રક્રિયામાં ગંભીર ગેરરીતિના આરોપ લાગી રહ્યા છે.
હિન્દી ફિલ્મ ઉદ્યોગ હેઠળના 31 ફિલ્મ સંગઠનોની માતૃ સંસ્થા ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝ (FWICE)એ ફિલ્મ 'છેલ્લો શો'ની પસંદગી પ્રક્રિયાને સંપૂર્ણપણે નિયમો વિરુદ્ધ ગણાવી છે અને આવી સ્થિતિમાં માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરને આ સંબંધિત પત્ર પણ લખવામાં આવ્યો છે.
ઇન્ડિયન ફિલ્મ એન્ડ ટેલિવિઝન ડિરેક્ટર્સ એસોસિએશન (IFTDA) ના પ્રમુખ અને ફિલ્મ નિર્માતા અશોક પંડિતે એબીપી ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "ઓસ્કર નોમિનેશન માટે ફિલ્મ 'છેલ્લો શો' મોકલનાર જ્યુરીના અધ્યક્ષ, ટીએસ નાગભર્ણાએ તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં ઉલ્લેખ કર્યો હતો કે 'છેલ્લો શો' ગયા વર્ષે પણ ઓસ્કાર નોમિનેશન માટે જ્યુરી પાસે આવી હતી, પરંતુ ફિલ્મનું સ્ક્રીનિંગ ન થવાને કારણે જ્યુરીએ આ ફિલ્મને નકારી કાઢી હતી અને હવે સ્ક્રીનિંગ થઈ ગયા બાદ આ ફિલ્મને ફરી એક પાત્ર તરીકે લેવામાં આવી છે, જે ખોટું છે."
અશોક પંડિતે પ્રશ્ન ઉઠાવતા કહ્યું કે, "કોઈપણ ફિલ્મને ઓસ્કાર નોમિનેશન માટે મોકલવા માટેનો સમયગાળો નિશ્ચિત હોય છે એટલે કે સેન્સર બોર્ડ દ્વારા જે ફિલ્મને પ્રમાણિત કરવામાં આવે છે તે વર્ષ પછીના એક વર્ષ સુધી કોઈપણ ફિલ્મના નામાંકન માટે પાત્રતા બની રહે છે. કોઈ ફિલ્મને એક વખત રિજેક્ટ કર્યા બાદ ફરી તે ફિલ્મને ઓસ્કર નામાંકન માટે લાયક બનાવવી તે સંપૂર્ણપણે નિયમોની વિરુદ્ધ છે. આવી સ્થિતિમાં 10 વર્ષ જૂની ફિલ્મો પણ ઓસ્કાર માટે મોકલવી જોઈએ.
અશોક પંડિતે વધુમાં આક્ષેપ કર્યો હતો કે 'છેલ્લો શો'ને ઓસ્કાર નોમિનેશન માટે મોકલવી જોઈએ નહી કારણ કે આ ફિલ્મ સંપૂર્ણપણે વિદેશી કંપની દ્વારા બનાવવામાં આવી હતી અને બાદમાં આ ફિલ્મ ભારતીય નિર્માતાઓને વેચવામાં આવી હતી. અશોક પંડિત પૂછે છે, "સંપૂર્ણપણે વિદેશી કંપની દ્વારા બનાવવામાં આવેલી આ ફિલ્મ ભારતીય કેવી રીતે બની ? ફિલ્મમાં વપરાયેલ મોટાભાગના ક્રૂ પણ વિદેશી છે."
1988માં રિલીઝ થયેલી ઇટાલિયન ફિલ્મ 'સિનેમા પૈરાડિસો'નું પોસ્ટર અને ફિલ્મ 'છેલ્લો શો'ના પોસ્ટર વચ્ચે સામ્યતા દર્શાવતા અશોક પંડિતે દાવો કર્યો હતો કે અન્ય આરોપો સિવાય આ ફિલ્મ એક ખૂબ જ લોકપ્રિય વિદેશી ફિલ્મની નકલ છે અને આ પણ એક મુખ્ય કારણોમાંનું એક છે. તેને ઓસ્કાર નોમિનેશન માટે મોકલવામાં આવવી જોઈએ નહીં.