બોલિવૂડ:દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત દેશની પહેલી અંતરિક્ષ યાત્રા પર એક ફિલ્મ બનાવવા ઇચ્છતા હતા. આ માટે તેમણે 2017માં નાસાની મુલાકાત પણ કરી હતી પરંતુ બજેટ ન હોવાથી પ્રોજેક્ટ પૂર્ણ ન થઇ શક્યો. સુશાંતના ડાયરેક્ટર મિત્ર સંજય પૂરણ સિંહ ચૌહાણે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, તે તેમનો આ અધૂરો પ્રોજેક્ટ પૂર્ણ કરવા ઇચ્છે છે.


સુશાંતના રિપ્લેસમેન્ટની શોધ ખૂબ જ કષ્ટદાયક

સંજય પૂરણ સિંહે એક ઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું કે, આ ડ્રીમ પ્રોજેક્ટ સુશાંતના દિલની ખૂબ જ નજીક હતો. સુશાંત આ ફિલ્મમાં એક અંતરિક્ષ યાત્રીની ભૂમિકા અદા કરવાનો હતો, હવે આ રોલ માટે કોઇ અન્યની શોધ ખૂબ જ કષ્ટદાયક છે. જો કે આ ફિલ્મની સ્ક્રિપ્ટ પર પણ  હજું કામ ચાલી રહ્યું છે. આ મુદ્દે સ્પષ્ટતા કરતા સંજયે જણાવ્યું કે, આ કોઇ વેબ સીરિઝ નહીં હોય પરંતુ મોટા પડદા પર જ રિલીઝ થશે.

સુશાંત સાથે ગાઢ સંબંધ

આ પહેલા આપેલા એક ઇન્ટરવ્યુમાં સંજય સિંહે જણાવ્યું હતું કે, સુશાંત સાથે ખૂબ જ સારો સંબંધ છે.સુશાંતનો પ્રોડ્યુસર સાથે વિવાદ થવા છતાં પણ તેમના સંબંઘમાં કોઇ ફરક નથી પડ્યો. અમારી મિત્રતા ખૂબ જ ગાઢ હતી.