Prithviraj Title Controversy: આજે અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ પૃથ્વીરાજનું ટ્રેલર રીલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ ભારતના મહાન શાસક પૃથ્વીરાજ ચૌહાણના જીવન ઉપર બનાવવામાં આવી છે. ફિલ્મના ટ્રેલરમાં મહોમ્મદ ઘોરીના યુદ્ધના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. ત્યારે પૃથ્વીરાજ ફિલ્મના નામ અંગે થયેલા વિવાદ અંગે ફિલ્મના ડાયરેક્ટર ડૉ.ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ પોતાનું મંતવ્ય જણાવ્યું છે.


ડૉ. ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ આજે ​​ફિલ્મ 'પૃથ્વીરાજ'ના શીર્ષક પર એક વર્ગ દ્વારા ઉઠાવવામાં આવેલા વાંધાના વિવાદ પર પોતાનું મૌન તોડ્યું હતું અને કહ્યું હતું કે, દેશના દરેક જૂથ, દરેક નાગરિકને તેમના બંધારણીય અધિકારોનો ઉપયોગ કરવાની સ્વતંત્રતા છે અને કોઈપણ વ્યક્તિ તેમની બંધારણીય મર્યાદામાં રહીને ફિલ્મનો વિરોધ કરી શકે છે. તેમણે કહ્યું, "જો મેં કંઈ ખોટું કર્યું હોય તો લોકોને મને પ્રશ્ન કરવાનો અધિકાર છે, પરંતુ હિંસા દ્વારા નહીં. તે જૂથ (વિરોધ જૂથ) પણ ઈતિહાસ સાથે ચેડા ન થાય તેની ખાત્રી કરવા માંગે છે."


ફિલ્મના દિગ્દર્શકે એ પણ ખુલાસો કર્યો કે, નિર્માતા આદિત્ય ચોપરાએ તેમને પૂછ્યું હતું કે, શું ફિલ્મનું શીર્ષક બદલવાની કોઈ શક્યતા છે. આવી સ્થિતિમાં તેમણે નિર્માતા આદિત્ય ચોપરાને કહ્યું કે, લેખન પરંપરાની પ્રથમ કૃતિ ગણાતી 'પૃથ્વીરાજ રાસો'માં પણ 'સમ્રાટ'નો કોઈ ઉલ્લેખ નથી અને 'પૃથ્વીરાજ વિજયા'માં પણ સમ્રાટ નામનો ઉલ્લેખ જોવા મળતો નથી'.


તેમણે કહ્યું કે, "દિલ્હીમાં એક રોડનું નામ પૃથ્વીરાજ રોડ છે. કોઈ વ્યક્તિને તેના નામથી સંબોધવાથી કોઈને દુઃખ ન થવું જોઈએ. હું રામને રામ ભદ્ર પણ કહું છું. હું શ્રી રામ પણ કહું છું. ગુજરાતીમાં એક કહેવત છે, હરિ તારા નામ છે હજાર છે... એ જ રીતે પૃથ્વીરાજના નામ પણ ઘણા છે. તેનો સ્વીકાર કરવો જોઈએ અને કોઈ વાંધો ના હોવો જોઈએ."


શું હતો વિવાદઃ 
ઉલ્લેખનીય છે કે, રાજપૂત કરણી સેનાએ ફિલ્મના નામ 'પૃથ્વીરાજ' સામે વાંધો ઉઠાવ્યો હતો અને માંગ કરી હતી કે, ફિલ્મના નામમાં 'સમ્રાટ' શબ્દનો પણ ઉલ્લેખ કરવામાં આવે અને ફિલ્મનું નામ ફક્ત 'પૃથ્વીરાજ' રાખવું એ મહાન યોદ્ધાનું અપમાન છે.  3 જૂનના રોજ દેશભરમાં રિલીઝ થનારી ફિલ્મ 'પૃથ્વીરાજ'ના ટાઈટલ વિવાદ અંગે ડૉ.ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ કહ્યું હતું કે, જે કોઈને પણ ફિલ્મના નામ અંગે કોઈ શંકા છે, તેમની શંકા ફિલ્મ જોયા પછી દૂર થઈ જશે.