મુંબઇઃ બૉલીવુડ અભિનેત્રી કંગના રનૌત ડ્રગ્સ કેસને લઇને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલ્ચર પર અવારનવાર નિશાન સાધી રહી છે. હવે કંગના બાદ વધુ એક હૉટ એક્ટ્રેસ, એટલે કે અભિનેત્રી શર્લિન ચોપડા પણ કંગનાના સપોર્ટમાં ઉતરી છે શર્લિન ચોપડાએ દીપિકા પાદુકોણને ડ્રગ્સ મામલે બરાબરની ઝાટકી છે. ઉલ્લેખનીય છે કે શર્લિન ચોપડા આ અગાઉ ક્રિકેટર્સ અને સુપરસ્ટાર્સની પત્નીઓ પર પણ ડ્રગ્સ લેવાનો ખુલાસો કરી ચૂકી છે.


તાજેતરમાંજ કંગના વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે પર પોતાની ફિલ્મ જજમેન્ટલ હૈ ક્યાને પ્રમૉટ કરી હતી, તેને આ ટ્વીટમાં દીપિકા પાદુકોણને લઇને કટાક્ષ કર્યો હતો, હવે કંગનાને એક્ટ્રેસ શર્લિન ચોપડાનો સપોર્ટ મળ્યો છે.

કંગનાએ પોતાના ટ્વીટમાં લખ્યું હતુ- અમે મેન્ટલ હેલ્થને લઇને જાગૃતિ ફેલાવવા માટે જે ફિલ્મ બનાવી હતી, તેને કોર્ટમાં એ લોકો દ્વારા ઘસેડવામાં આવી, જે ડિપ્રેશનની દુકાન ચલાવે છે. મીડિયાના બેન બાદ અને ફિલ્મની રિલીઝના થોડાક સમય પહેલા જ આ મૂવીનુ નામ બદલવામાં આવ્યુ, જેને કારણે ફિલ્મની માર્કેટિંગમાં જટીલતા પેદા થઇ, પરંતુ આ એક સારી ફિલ્મ છે. જો તમે આજ સુધી આ ફિલ્મ નથી જોઇ તો વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડેના પ્રસંગે જજમેન્ટલ હૈ ક્યા ફિલ્મ જરૂર જુઓ.



કંગનાના ટ્વીટને શર્લિન ચોપડાએ રિટ્વીટ કર્યુ અને લખ્યું- કંગના જી, બરાબર કહ્યુ તમે, આ લોકો માલ ફૂંકીને ડિપ્રેશનના નારા લગાવે છે, અને દેશની યુવા પેઢીને અંધકારમાં ધકેલે છે. બે ટાઇમના રોટલા કમાવવા જે મજૂર સવાર-સાંજ મજૂરી કરે છે, શું તેને ડિપ્રેશન નથી થતુ? શું ડિપ્રેશનથી રાહત મેળવવા આપણે માલનુ સેવન કરવાનુ શરૂ કરી દઇએ?



નોંધનીય છે કે, સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સ એન્ગલ નીકળતા કેટલાય ફિલ્મ સ્ટાર્સના નામો બહાર આવ્યા છે. દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર, સારા અલી ખાન સહિતની એક્ટ્રેસીસ સાથે એનસીબી પુછપરછ પણ કરી ચૂકી છે.