Dalip Tahil Sentenced Punishment: બાઝીગર ફેમ એક્ટર દલીપ તાહિલને બે વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. કોર્ટે અભિનેતાને પાંચ વર્ષ જૂના કેસમાં આ સજા સંભળાવી છે. આ મામલો વર્ષ 2018નો છે જ્યારે દલીપ તાહિલ દારૂના નશામાં ગાડી ચલાવતો જોવા મળ્યો હતો. આ દરમિયાન તેણે પોતાની કાર સાથે એક ઓટો રિક્ષાને કચડી નાંખી હતી જેમાં એક મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી.


લાઈવ મિન્ટના અહેવાલ મુજબ, મેજિસ્ટ્રેટ કોર્ટે પુરાવાના આધારે 2018ના હિટ એન્ડ રન કેસમાં દલીપ તાહિલને દોષિત ઠેરવ્યો છે. પુરાવામાં એવું કહેવામાં આવ્યું હતું કે અકસ્માત દરમિયાન દલિપે પોલીસને ટેસ્ટિંગ માટે તેના લોહીના નમૂના આપવાનો ઇનકાર કર્યો હતો. જોકે, બાદમાં તેના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને ડૉકટરોના રિપોર્ટ મુજબ તેનામાં દારૂ મળી આવ્યો હતો.


સજા પર શું બોલ્યો દલીપ તાહિલ ?
ડ્રિંક એન્ડ ડ્રાઇવિંગ કેસમાં બે મહિનાની સજા અંગે એબીપી ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં દલીપ તાહિલે કહ્યું, 'હું મેજિસ્ટ્રેટ કોર્ટના નિર્ણયનું સન્માન કરું છું. મેજિસ્ટ્રેટ કોર્ટના નિર્ણયને હું સેશન્સ કોર્ટમાં પડકારવાનો છું. મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા મને આપવામાં આવેલી સજા સસ્પેન્ડેડ સજા છે. 2018 માં જે એક અકસ્માત થયો હતો તે ખૂબ જ નાનો અકસ્માત હતો.


ડ્રાઇવિંગ દરમિયાન પીધેલી હાલતમાં હતો દલીપ તાહિલ ?
દલીપ તાહિલે વધુમાં કહ્યું કે, 'આ અકસ્માતમાં પીડિતને ખૂબ જ નાની ઈજાઓ થઈ હતી અને તેને નાની દવા આપીને હૉસ્પીટલમાંથી મોકલવામાં આવ્યો હતો. તેને જોતા અમે આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકારીશું, પરંતુ આ મામલો તેવો નથી જેવો મીડિયામાં અહેવાલ આવી રહ્યો છે. ડ્રાઇવિંગ કરતી વખતે નશામાં હોવાના પ્રશ્ન પર દલીપ તાહિલે કહ્યું કે તે મેજિસ્ટ્રેટ કોર્ટના નિર્ણયના દરેક પાસાને કોર્ટમાં પડકારવા જઈ રહ્યો છે.


શું છે આખો મામલો 
વર્ષ 2018માં દલીપ તાહિલ દારૂના નશામાં ગાડી ચલાવી રહ્યો હતો અને આ દરમિયાન તેણે ઓટોરિક્ષાને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બે લોકો ઘાયલ થયા હતા, જેમાંથી એક જેનિતા ગાંધી (21 વર્ષ) અને બીજાનું નામ ગૌરવ ચુગ (22) હતું. અકસ્માત કર્યા બાદ દલિપ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો પરંતુ ગણેશ વિસર્જન દરમિયાન સર્જાયેલા ટ્રાફિક જામમાં તે ફસાઈ ગયો હતો. જે બાદ લોકોએ તેને પકડી લીધો હતો. જોકે, દલિપે તેને પણ ધક્કો માર્યો હતો. બાદમાં લોકોએ પોલીસને બોલાવી અને તેમની ધરપકડ થઈ શકી હતી.


100થી વધુ ફિલ્મોમાં કરી ચૂક્ય છે કામ 
આ દિવસોમાં દલિપ તેના કૉમેડી વીડિયોથી સોશ્યલ મીડિયા પર છવાયેલો છે. તે 100 થી વધુ હિન્દી ફિલ્મોનો ભાગ રહ્યો છે જેમાં બાઝીગર, રાજા, હમ હૈ રાહી પ્યાર કે, કયામત સે કયામત તક, કહો ના પ્યાર હૈ, અજનબી, રોક ઓન, રા.વન, ભાગ મિલ્ખા ભાગ અને મિશન મંગલનો સમાવેશ થાય છે. તે છેલ્લે રાજકુમાર રાવ અને સાન્યા મલ્હોત્રા સાથે હિટઃ ધ ફર્સ્ટ કેસમાં જોવા મળ્યો હતો. આ સિવાય તે માઈન્ડ ધ મલ્હોત્રા સીઝન 2 માં પણ જોવા મળ્યો હતો.