પ્રખ્યાત લોકગાયિકા શારદા સિન્હા હવે આપણી વચ્ચે નથી રહ્યા. તેમણે આજે દિલ્હીની એઈમ્સમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ લાંબા સમયથી બીમાર હતા. તેમને એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. શારદા સિન્હાને બિહારની સ્વર કોકિલા કહેવામાં આવતા હતા.
સોમવારે શારદા સિન્હાની તબિયત લથડી હોવાના સમાચાર સામે આવ્યા હતા. એવું કહેવામાં આવ્યું હતું કે તે દિલ્હીની AIIMS હોસ્પિટલમાં વેન્ટિલેટર પર છે. તાજેતરમાં સમાચાર આવ્યા હતા કે શારદા તેમના પતિ બ્રિજકિશોર સિન્હાના અવસાનથી આઘાતમાં હતા. શારદા સિન્હા ઘણા દિવસોથી દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ હતા. સોમવારે, ગાયકના પુત્ર અંશુમને તેની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર લાઇવ જઈને તેમની માતાના સ્વાસ્થ્ય વિશે અપડેટ આપ્યું હતું.
અંશુમને કહ્યું હતું કે શારદા સિન્હાની તબિયત ખૂબ જ ખરાબ છે. ડોકટરો પ્રયાસ કરી રહ્યા છે. અંશુમને એ પણ વિનંતી કરી હતી કે તેના તમામ ચાહકો તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરે અને તેમના વિશે ખોટા સમાચાર ન ફેલાવે.
સપ્ટેમ્બરમાં શારદા સિન્હાના પતિ બ્રજ કિશોરનું 80 વર્ષની વયે બ્રેઈન હેમરેજને કારણે અવસાન થયું હતું. આ યુગલના લગ્નને 54 વર્ષ થયા હતા. અહેવાલમાં જાણવા મળ્યું હતું કે શારદા સિન્હા તેમના પતિના અવસાનના કારણે આઘાતમાં છે અને ત્યારથી તેમની તબિયત વધુ બગડી છે.
શારદા સિંહાનો જન્મ 1 ઓક્ટોબર 1952ના રોજ બિહારના સુપૌલ જિલ્લામાં થયો હતો. તેમના લગ્ન બેગુસરાય જિલ્લામાં થયા હતા. તેમણે મૈથિલી લોક ગાયિકા તરીકે તેમના કારકિર્દીની શરૂઆત કરી હતી. તે પછી તેમણે હિન્દી, ભોજપુરી અને બજ્જિકા ભાષાઓમાં લોકગીતો પણ ગાયા છે.
બિહારની બહાર દુર્ગા પૂજા અને અન્ય લગ્ન સમારંભો અથવા મોટા કાર્યક્રમોમાં શારદા સિન્હા દ્વારા ગાયેલા ગીતો ખૂબ જ લોકપ્રિય છે. તેમને 1991માં ભારત સરકાર દ્વારા પદ્મશ્રી અને 2018માં પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા. આ સિવાય તેમને બિહાર કોકિલા અને સંગીત નાટક અકાદમી પુરસ્કારોથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. છઠ પૂજા પર ગાયેલા તેમના ગીતો બિહાર અને ઉત્તર ભારતના લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે.