નવી દિલ્હીઃ આખા દેશમાં નાગરિકતા સંશોધન એક્ટના વિરોધમાં પ્રદર્શન થઇ રહ્યા છે. જામિયા બાદ સીલમપુરમાં થયેલા પ્રદર્શન બાદ પોલીસ કાર્યવાહી પર પણ સવાલ ઉભા થયા છે. સીએએના વિરોધમાં બોલિવૂડ એક્ટર આયુષ્યમાન ખુરાના, રાજકુમાર રાવ, પરણીતિ ચોપરા અને આલિયા ભટ્ટની સાથે ડિરેક્ટર અનુરાગ કશ્યપ પણ ઉતર્યા છે.

હવે વિરોધ કરનારાઓની લિસ્ટમાં બોલિવૂડ એક્ટર ફરહાન અખ્તરનું નામ પણ જોડાઇ ચૂક્યું છે. ફરહાન અખ્તરે તમામ પ્રદર્શનકારીઓને ઓગસ્ટ ક્રાંતિ મેદાનમાં એકઠા થવા કહ્યું છે. ફરહાને  ટ્વિટમાં કહ્યું કે, અહી  તમારે એ જાણવાની જરૂર છે કે આ વિરોધ ખૂબ જરૂરી છે.  આપણે 19 તારીખે ઓગસ્ટ ક્રાંતિ મેદાન, મુંબઇમાં મળીશુ. ફક્ત સોશિયલ મીડિયા પર વિરોધ કરવાનો સમય હવે ખત્મ થયો છે.

ફરહાનના ટ્વિટ બાદ વરિષ્ઠ આઇપીએસ અધિકારી સંદીપ મિત્તલે કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમણે કહ્યુ કે, ફરહાને કાયદાનો ભંગ કર્યો છે. આ સાથે જ તેમણે આઇપીસીની  કલમ 121 સમજાવવા માટે એક વીડિયો પોસ્ટ કર્યો છે. મિત્તલે કહ્યુ કે તમને એ ખ્યાલ હોવો જોઇએ કે તમે આ બધુ અજાણતા નથી કર્યુ. મુંબઇ પોલીસ અને એનઆઇએ તમે સાંભળી રહ્યા છો. મહેરબાની કરીને દેશ વિશે વિચારો જેણે  તમને જીવનમાં બધુ આપ્યું છે. કાયદાને સમજો.