મુંબઈ: કોરોનાની ત્રીજી લહેરમાં એક પછી એક સેલિબ્રિટી કોરોના સંક્રમિત થઈ રહી છે.  ફિલ્મમેકર મધુર ભંડારકરનો  કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.  ફિલ્મમેકર મધુર ભંડારકરે પોસ્ટ શેર કરીને લખ્યું, "મારો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મેં વેક્સિનના બંને ડોઝ લીધા છે તેમ છતાં હું કોરોનાની ઝપેટમાં આવી ગયો છું જો કે હું હળવા લક્ષણો મહેસૂસ કરી રહ્યો છું. હું ઘરે હોમ ક્વોરન્ટાઈન છું. જે લોકો પણ મારા સંપર્કમાં આવ્યા છે, કૃપા કરીને તમારો ટેસ્ટ કરાવી લો. તમામ લોકો સુરક્ષિત રહો અને કોવિડ-19ના પ્રોટોકોલનું પાલન કરો."



‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલમાં ‘બાઘા’નું પાત્ર ભજવનારો ગુજરાતી અદાકાર તન્મય વેકરિયા પણ કોરોના સંક્રમિત થયો છે. તન્મય વેકરિયાએ પોતે સોશિયલ મીડિયાના માધ્યમથી આ જાણકારી આપી છે.


આ ઉપરાંત સિંગર અરિજીત સિંહને પણ કોરોના થયો છે. પોપ્યુલર સિંગર અરિજીત સિંહે પોતાના કોરોના સંક્રમિત હોવાની જાણકારી સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરીને ફેન્સને આપી છે. અરિજીત સિંહે લખ્યું છે કે, મારો અને મારી પત્નીનો કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. અમે બંને સ્વસ્થ છીએ અને હોમ ક્વોરન્ટીન છીએ.


‘બાહુબલિ’ ફિલ્મમાં ‘કટપ્પા’નું પાત્ર ભજવીને પોપ્યુલર થનારા એક્ટર સત્યરાજ પણ કોરોના સંક્રમિત થયા છે. તેમને ચેન્નઈની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. નેશનલ અવોર્ડ વિનિંગ ફિલ્મમેકર પ્રિયદર્શનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી તેમને પણ ચેન્નઈની અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જાણીતા  ડાયરેક્ટર મધુર ભંડારકર પણ કોરોના પોજિટિવ આવ્યા છે.


જાણીતા મ્યુઝિક કંપોઝર અને સિંગર વિશાલ દદલાની  કોવિડ-19ની લપેટમાં આવી જતાં ક્વોરેન્ટાઈન થયેલા છે.  હવે વિશાલ દદલાનીના પિતા મોતી દદલાનીનું અવસાન થતાં વિશાલનો પરિવાર અત્યંત દુઃખી છે પણ વિશાલ પોતાના પરિવારને સાંત્વન આપવા સુધ્ધાં જઈ શકતો નથી.


ઘણી જાણીતી સેલિબ્રિટીઝ કોરોનાનો ભોગ બની રહી છે. આ યાદીમાં  હવે બોલીવુડની બે એક્ટ્રેસનો પણ સમાવેશ થયો છે. એક્ટ્રેસ સ્વરા ભાસ્કર પોતાના આખા પરિવાર સાથે અને અભિનેત્રી કુબ્રા સૈત કોરોનાનો ભોગ બની છે. સ્વરા ભાસ્કર રાંઝણા, પ્રેમ રતન ધન પાયો, નીલ બટ્ટે સન્નાટા, અનારકલી ઓફ આરાહ વગેરે ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.


સ્વરા ભાસ્કરે ટ્વિટર પરથી અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી માહિતી આપી છે કે, હું અને મારો પરિવાર કોરોના પોઝિટિવ આવ્યા છે. સ્વરાએ જણાવ્યું હતું કે, થોડા દિવસો પહેલાં તેને માથાનો દુખાવો અને તાવ જેવાં લક્ષણ જોવા મળ્યા હતા. તેણે પોતાની મેડિક તપાસ કરાવી હતી અને આરટીસીપીસીઆર ટેસ્ટ કરાવ્યો. આ ટેસ્ટમાં પોતે કોરોના પોઝિટિવ આવી હતી. સાથે સાથે તેનો પરિવાર પણ કોરોનાના સપાટામાં આવ્યો છે. સ્વરાએ પોતાના પ્રશંસકોને સુરક્ષિત રહેવાની અને માસ્ક પહેરવાની વિનંતી કરી છે.