Jiah Khan Suicide Case Verdict: જિયા ખાન આત્મહત્યા કેસમાં લગભગ દસ વર્ષ પછી મુંબઈની વિશેષ સીબીઆઈ કોર્ટ 28 એપ્રિલ એટલે કે આજે ચુકાદો આપી શકે છે. આ કેસમાં દિવંગત અભિનેત્રીના બોયફ્રેન્ડ અને બોલિવૂડ એક્ટર સૂરજ પંચોલી પર જિયાને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ હતો. વિશેષ CBI ન્યાયાધીશ એએસ સૈયદે ગુરુવારે બંને પક્ષોની અંતિમ દલીલો સાંભળી હતી અને આ મામલે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો.
શું હતો સમગ્ર મામલો?
'નિશબ્દ' અને 'ગજની' જેવી ફિલ્મોની અભિનેત્રી જિયા ખાને 3 જૂન, 2013ના રોજ જુહુ સ્થિત તેના ઘરે આત્મહત્યા કરી હતી અને આ ઘટનામાં સૂરજ પંચોલી પર અભિનેત્રીને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ લાગ્યો હતો. જુહુ પોલીસ આ મામલે તપાસ કરી રહી હતી અને તપાસ દરમિયાન 7 જૂન 2013ના રોજ પોલીસને જિયા ખાનના ઘરેથી 6 પાનાની હસ્તલિખિત સુસાઈડ નોટ મળી આવી હતી. આ પછી, 11 જૂન, 2013ના રોજ મુંબઈ પોલીસે જિયાને આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપમાં બોલિવૂડ અભિનેતા આદિત્ય પંચોલીના પુત્ર સૂરજ પંચોલીની ધરપકડ કરી હતી.
જિયાની માતા પોલીસ તપાસથી સંતુષ્ટ ન હતી
લગભગ એક મહિના જેલમાં વિતાવ્યા બાદ સૂરજ પંચોલીને 1 જુલાઈ 2013ના રોજ જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. જિયા ખાનની માતા રાબિયા ખાન આ મામલે પોલીસ તપાસથી સંતુષ્ટ નથી. તેમણે કહ્યું કે આ હત્યાનો મામલો છે અને તેની હત્યાના કેસ તરીકે તપાસ થવી જોઈએ. વર્ષ 2014માં બોમ્બે હાઈકોર્ટે જિયાની માતાની અરજી પર સીબીઆઈને કેસની તપાસની જવાબદારી સોંપી હતી. વર્ષ 2015માં સીબીઆઈએ આ કેસની તપાસ કરી હતી અને સૂરજ પંચોલી વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. આમાં અભિનેત્રીને આત્મહત્યા માટે ઉશ્કેરવા બદલ સૂરજ પંચોલી સામે કલમ 306 હેઠળ આરોપો ઘડવામાં આવ્યા હતા.
FBI તપાસ માટે જિયાની માતાની અરજી કોર્ટે ફગાવી દીધી હતી
આ પછી જિયાની માતા રાબિયાએ ફરી એકવાર હાઈકોર્ટનો સંપર્ક કર્યો અને આ વખતે આ કેસની તપાસ અમેરિકન તપાસ એજન્સી એફબીઆઈને સોંપવાની માંગ કરી પરંતુ રાબિયાની અરજી હાઈકોર્ટે ફગાવી દીધી. આ કેસમાં 2019માં સુનાવણી શરૂ થઈ હતી અને 20 એપ્રિલ 2023ના રોજ સુનાવણી પૂર્ણ થઈ હતી.
જિયા ખાને પત્રમાં શું લખ્યું?
જિયા ખાને આત્મહત્યા પહેલા સૂરજ પંચોલીને એક પત્ર લખ્યો હતો, જેમાં તેણે કહ્યું હતું કે, "મને ખબર નથી પડી રહી કે હું તને આ કેવી રીતે કહું જો કે હવે હું આ કહી શકું છું કેમ કે મારી પાસે ખોવા માટે હવે કઈ રહ્યું નથી. હું પહેલાથી જ બધુ ખોઈ બેસી છું. જો તમે આને વાંચી રહ્યા છો તો બની શકે કે હું આ દુનિયામાં ના હોવ અથવા જઈ રહી હોવ. હું અંદરથી ખૂબ જ તૂટી ચૂકી છું. તમે આ નહી જાણતા હોવ કે તમે મને એ હદે પ્રભાવિત કરી છે કે હું તમને પ્રેમ કરવામાં પોતાને ખોઈ ચૂકી છું. તેમ છતાં તમે મને ખૂબ હેરાન કરી. આ દિવસોમાં મને કોઈ પ્રકાશ નથી દેખાતો હું જાગવા નથી માંગતી. એક સમય હતો જ્યારે હું પોતાની લાઈફ અને ભવિષ્ય તમારી સાથે જીવવા માંગતી હતી
હું ગર્ભવતી થવાથી ડરતી હતી: જિયા
પણ તમે મારા સપના ચકનાચૂર કરી દીધા. હું અંદરથી મૃત અનુભવું છું. મેં ક્યારેય મારી જાતને આટલું બધું આપ્યું નથી કે કોઈની આટલી કાળજી લીધી નથી. મારા પ્રેમના બદલામાં તમે મારી સાથે છેતરપિંડી કરી અને ખોટું બોલ્યા. મેં તમને કેટલી ભેટ આપી છે અથવા તમે મને કેટલી સુંદર માનતા હતા તેનાથી કોઈ ફરક પડતો નથી. હું ગર્ભવતી થવાથી ડરતી હતી, પરંતુ મેં મારી જાતને સંપૂર્ણપણે આપી દીધી, તમે મને જે પીડા આપી તે મને અને મારા આત્માનો નાશ કર્યો. હું ખાઈ શકતી નથી કે સૂઈ શકતી નથી, હું કંઈપણ વિચારી શકતી નથી. હું દરેક વસ્તુથી ભાગી રહી છું.
જિયાએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું
જણાવી દઈએ કે 25 વર્ષની જિયા અમેરિકન નાગરિક હતી. તેણે ઘણી ફિલ્મોમાં મોટા સ્ટાર્સ સાથે કામ કર્યું. જિયાએ બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન સાથે 'નિશબ્દ', 'ગજની'માં આમિર ખાન સાથે અને અક્ષય કુમારની સુપરહિટ ફિલ્મ 'હાઉસફુલ'માં કામ કર્યું હતું.