મુંબઇઃ બોમ્બે હાઇકોર્ટે બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતની ઓફિસમાં બીએમસીએ કરેલી તોડફોડ મામલે આજે સુનાવણી હાથ ધરાઇ હતી. હાઇકોર્ટે પૂછ્યું હતું કે નગર નિગમના અધિકારીઓ સંપત્તિની અંદર કેમ ગયા જ્યારે તેની માલિક ત્યાં હાજર નહોતી. એવામાં અનેક સવાલોના જવાબ બીએમસીએ દાખલ કર્યા હતા.
બીએમસીએ પોતાની એફિડેવિટમાં કાર્યવાહીને યોગ્ય ગણાવતા કહ્યું હતું કે, ગેરકાયદેસર નિર્માણને તોડી પાડવામાં આવ્યું છે. નિયમો હેઠળ કાર્યવાહી કરાઇ છે. ગેરકાયદેસર નિર્માણ મામલામાં કોર્ટે દખલ કરવી જોઇએ નહીં.
બીએમસીની એફિડેવિટ દાખલ થયા બાદ કંગનાના વકીલે દલીલો શરૂ કરી હતી બાદમાં હાઇકોર્ટે કહ્યું કે, બીએમસીની એફિડેવિટ પર 14 સપ્ટેમ્બર સુધી કંગનાના વકીલ જવાબ દાખલ કરશે. જ્યારે બીએમસીના વકીલને કહેવામાં આવ્યું છે 18 સપ્ટેમ્બર સુધી બીએમસી કંગનાની દલીલો પર પોતાનો પક્ષ રજૂ કરે. આ સાથે હાઇકોર્ટે 22 સપ્ટેમ્બર સુધી સુનાવણી ટાળી દીધી હતી.