Lata Mangeshkar: દેશના કરોડો લોકોને આઘાત આપે એવા સમાચારમાં મહાન પાર્શ્વગાયિકા લતા મંગેશકરનું નિધન થઈ ગયું. લતા મંગેશકરના ચાહકો માટે આ માઠા સમાચારની જાહેરાત સૌથી પહેલાં વિશ્વ સમક્ષ શિવસેનાના નેતા અને સાંસદ સંજય રાઉતે કરી હતી.
સંજય રાઉતે રવિવારે સવારે 9.25 કલાકે ટ્વિટ કરીને માત્ર બે શબ્દોમાં જાણ કરી હતી કે, મહાન ગાયિકા લતા મંગેશકરનું નિધન થયું છે. સંજય રાઉતે મરાઠી ભાષામાં ટ્વિટ કરી હતી કે, ‘युग संपले...’. ગુજરાતી ભાષામાં તેનો અર્થ થાય છે, યુગની સમાપ્તિ.
સંજય રાઉતે માત્ર બે શબ્દોની ટ્વિટ દ્વારા લતા મંગેશરકરની મહાનતાને વ્યક્ત કરી દીધી હતી. અલબત્ત સત્તાવાર રીતે કોઈ જાહેરાત નહોતી કરાઈ તેથી કોઈ આ સમાચારને માનવા તૈયાર નહોતું. જો કે 92 વર્ષના લતાજીના નિધનના સમાચાર કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આપ્યા પછી તેમના નિધનના સમાચારના સૌએ સાચા માન્યા હતા. આ ઉપરાંત દેવેન્દ્ર ફડણવીસે પણ ટ્વીટ કર્યું હતું.
લતા મંગેશકરને 92 વર્ષીય ગાયિકા કોરોનાથી સંક્રમિત થયા બાદ 9 જાન્યુઆરીએ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગઈકાલથી તેમની તબિયત લથડી હતી. લતા મંગેશકરની તબિયત બગડ્યા બાદ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સુરક્ષા વધારી દેવામાં આવી હતી અને હોસ્પિટલની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. શનિવારે લતા મંગેશકરની તબિયત લથડ્યા બાદ એમએનએસના પ્રમુખ રાજ ઠાકરે અને કેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયલ પણ બ્રીચ કેન્ડી હોસ્પિટલ પહોંચ્યા હતા. રાજ ઠાકરે આશરે દોઢ કલાક રોકાયા બાદ પરત ફર્યા હતા.
ગીતો સ્વર કોકિલા લતા મંગેશકર 92 વર્ષના હતા. ભારત રત્ન એવોર્ડ વિજેતા લતા મંગેશકરે વર્ષ 1942માં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. એવું કહેવાય છે કે તેમને ફિલ્મ મહલના ગીત 'આયેગા આને વાલા'થી ઓળખ મળી હતી. અત્યાર સુધી લતા મંગેશકરે વિશ્વની 36 ભાષાઓમાં હજારો ગીતો ગાયા છે. લતા મંગેશકરે સંગીતની દુનિયામાં 80 વર્ષ પૂર્ણ કર્યા છે. જ્યારે તેણી 13 વર્ષની હતી ત્યારે તેણીએ પ્રથમ વખત ગીત રેકોર્ડ કર્યું હતું. આ દિવસ 16 ડિસેમ્બર 1941નો હતો. લતાજીને ગાયકીના ક્ષેત્રમાં તેમના અમૂલ્ય યોગદાન માટે 1969માં પદ્મ ભૂષણ પુરસ્કારથી, 1990માં દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે. લતાજીને 1999માં પદ્મ વિભૂષણ અને 2001માં ભારત રત્નથી નવાજવામાં આવ્યા છે.